વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ
નરેશ ગનવાણી નડિયાદ


વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આગામી ૭ નવેમ્બર ૨૦૨૪ થી તારીખ ૧૫ નવેમ્બર સુધી સંપ્રદાયનો નભુતો નભવિષ્યતિ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ જ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાનાર છે. જે અંતર્ગત યોજાનાર મહાવિષ્ણુયાગ માટે સૂચિત યજ્ઞશાળા ખાતે ભાદરવા સુદ પુનમના રોજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ૧૦૦૮ પ.પૂ.ધ.ધુ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી, કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી, પૂ .માધવપ્રિય સ્વામી, બાપુ સ્વામી, ઉજૈન મંદિરના કોઠારી આનંદસ્વામી, ભક્તવત્સલ સ્વામી સહિત સંતોને હસ્તે ધ્વજપૂજન વિધિ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
વડતાલ મંદિરના કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ યજ્ઞશાળામાં ધ્વજારોહણની માહિતી આપતા જણાવ્યું હતું કે આ ધ્વજ ૫૦ ફૂટ ઊંચો અને ૬ x ૧૧ ફૂટ લાંબો છે. દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત કુલ ૬૨ હજાર ૫૦૦ ચોરસ ફુટ જગ્યામાં ૧૦૮ કુંડી મહાવિષ્ણુયાગ થનાર છે. યજ્ઞના પ્રેરક અને આયોજક અને યજમાન છારોડી (એસજીવીપી) ગુરુકુળના શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી (બાલુ સ્વામી)ની રાહબરી હેઠળ યજ્ઞ વિધિ થશે. જ્યારે ધર્મવત્સલ સ્વામી તથા આનંદ સ્વામી સંપૂર્ણ યજ્ઞ શાળાની સંચાલન વ્યવસ્થા સંભાળનાર છે.
ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોવિંદભાઈ બારસીયા તથા જગદીશભાઈ મકવાણા યજ્ઞ માટેની ૧૦૮ કુંડના કાર્યનો આરંભ કરવા તૈયારીઓ કરી રહ્યા છે. આચાર્યપ રાકેશપ્રસાદજી મહારાજ યજ્ઞ માટેની તૈયારીઓ જોઈ ખૂબ રાજી થયા હતા અને ગોવિંદભાઈ ને પુષ્પ માળા પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા. ધ્વજા આરોહણ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો – હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
