નડિયાદ પીપલગ ચોકડી પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા એક નું મોત
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પીપલગ ચોકડી પાસે પુરપાટ ઝડપે જતી એક કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ઇસમને તાત્કાલીક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે રહેતા ધર્મેશભાઇ પટેલ બુધવારે પોતાની ગાડી લઈ નડિયાદ તાલુકાના પીપલગ ચોકડી પાસેથી પસાર થતા હતા. તે સમયે તેઓએ પોતાની ગાડી બેફીકરાઈ અને પુર ઝડપે હંકારતા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે અથડાતા ગાડીની આગળની સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં ધર્મેન્દ્રભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. જ્યારે તેમની સાથે મુસાફરી કરતાં નીકુંજભાઈ પટેલ રહે. વાંઠવાળી ને શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત નીકુંજ પટેલને તાત્કાલીક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ નડિયાદ રૂરલ પોલીસ મથકે થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
