દાહોદ જિલ્લામાં વધતા માર્ગ અકસ્માતોના બનાવો ચિંતાજનક : માર્ગ અકસ્માતના બનેલા બે બનાવોમાં બે માસુમ બાળકોના મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બનાવમાં વાહન ચાલકોએ બે માસુમ બાળકોને અડફેટમાં લેતાં બંન્ને માસુમ બાળકોના મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ધાનપુરના આગાસવાણી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૫મી ઓક્ટોમ્બરના રોજ આગાસવાણી ગામે પટેલ ફળિયા વિસ્તારમાં રોડ પર એક ટેમ્પાના ચાલકે પોતાના કબજાનો ટેમ્પો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે રસ્તે ચાલતી જતી ૦૯ વર્ષિય માસુમ રીનાબેન તથા તેમની સાથેની ૦૯ વર્ષિય સેજલબેન (બંન્ને રહે. અગાસવાણી, પટેલ ફળિયું, તા.ધાનપુર, જિ.દાહોદ) ને અડફેટમાં લેતાં બંન્ને બાળકોને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં જેમાં રીનાબેનને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે સેજલબેનને શરીરે ઈજાઓ પહોંચતાં તેમનું નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. ત્યારે માર્ગ અકસ્માત સર્જી ટેમ્પાનો ચાલક પોતાના કબજાનો ટેમ્પો પલ્ટી ખવડાવી સ્થળ પરથી નાસી જતાં આ સંબંધે નાથીયાભાઈ વરીયાભાઈ પરમારે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના શંકપુરા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૫મી ઓક્ટોમ્બરના રોજ શંકરપુરા ગામે પ્રાથમીક શાળા તરફ જતાં રસ્તા ઉપરથી એક દુધ આપનાર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે રિવર્સ હંકારી લાવી તે સમયે ગાડીની પાછળ બે વર્ષિય માસુમ રૂદ્રાક્ષને પાછળથી જાેશભેર ટક્કર મારતાં રૂદ્રાક્ષ (રહે.શંકરપુરા, નિશાળ ફળિયા, તા.ઝાલોદ, જિ.દાહોદ) ને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે માર્ગ અકસ્માત સર્જનાર ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી લઈ નાસી ગયો હતો. આ સંબંધે મિનેશભાઈ કનુભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.