નડિયાદમાં રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં મિશન રોડ પરના રેલવે ઓવરબ્રિજ પર રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવને પગલે બ્રીજ પર ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
નડિયાદના ડભાણ રોડ પરનો મિશન ઓવરબ્રિજ પર શુક્રવારે બપોરે રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષાના આગળની સાઈડનો કાચ પણ તૂટી ગયો અને બંને વાહનોને નુક્સાન થયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલક રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર મોત નિપજ્યું હતુ. બનાવને કારણે આ બ્રીજ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાને પગલે નડિયાદ પશ્ચિમ પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી. તો બીજી તરફ દોડી આવેલ ૧૦૮ એમ્બ્યુલન્સે પણ બાઇક ચાલકને તપાસતા તેને જીવ ન હોવાનું જણાવ્યું હતું. બનાવ બાદ પોલીસે મૃતક ચાલકની ઓળખવિધી કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ વર્તુળોમાથી મળતી માહિતી મુજબ મરણજનાર ચાલક નડિયાદનો હોવાનું જાણવા મળ્યું છે.