નીલગાયનો શિકાર કરવા આવેલ શખ્સ માતરથી દેશી બંદૂક સાથે ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લામાં થોડા દિવસો પહેલા કઠલાલ પંથકમાં ફાયરીંગ કરી ચાર નીલગાયને મોતને ઘાટ ઉતારવાની ઘટના બની હતી. પોલીસે આ બનાવમાં એક શિકાર કરનારને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો. જ્યારે વધુ એક શિકારી ગઇ કાલે માતર પંથકમાંથી પકડાયો છે. શિકારી પાસેથી પોલીસે દેશી બનાવટની બંદુક અને દારૂગોળાનો પાવડર પણ કબ્જે કર્યો છે. અને આ સમગ્ર મામલે માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ગઇકાલે માતર પંથકમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમીના આધારે માતરના રધવાણજ ચોકડીથી આંત્રોલી રોડ પરના હનુમાન મંદિરના આગળ એક ઈસમ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જેથી પોલીસે પુછપરછ કરતા આ ઈસમે પોતાનું નામ રહીમ રસુલ સંધી (ડફેર) રહે.ધોળકા હોવાનું જણાવ્યું હતું. આ ઈસમની તલાસી લેતા તેની પાસેથી એક મીણીયાની અંદરથી દેશી બનાવટની બંદુક કિંમત રૂપિયા પાંચ હજારની મળી આવી હતી. પોલીસે આ બાબતે રહીમની પુછપરછ કરતા આ ઈસમે જણાવેલ કે, આ બંદુકથી નીલગાયનો શિકાર કરવા અહીંયા આવેલો છું. જેથી પોલીસે વધુ તલાસી લેતાં ગોળ શીશાના છરા, દારૂગોળાનો પાવડર મળી આવ્યો હતો. પોલીસે ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.