લીમખેડાના ખીરખાઈ ગામે ખેતરનો શેઢો ખેડી નાંખવા મામલે બે વ્યક્તિઓને માર માર્યાે
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે ખેતરનો શેઢો ખેડી નાંખવા મામલે થયેલ ઝઘડા તકરારમાં મહિલા સહિત બે જેટલા ઈસમોએ પોતાના હાથમાં કુહાડી તેમજ લોખંડની પાઈપ સાથે દોડી આવી બે વ્યક્તિઓને હથિયારો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૭મી ઓક્ટોમ્બરના રોજ રમેશભાઈ બીજલભાઈ બારીયા તથા સુરેખાબેન રમેશભાઈ બારીયા (બંન્ને રહે. ખીરખાઈ, તાડ ફળિયા, તા. લીમખેડા, જિ.દાહોદ), નાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાના હાથમાં કુહાડી, લોખંડની પાઈપ સાથે લાવી લીમખેડાના ખીરખાઈ ગામે તાડ ફળિયામાં રહેતાં કેશાભાઈ ભોદુભાઈ બારીયા તથા ઈશ્વરભાઈ દિલીપભાઈ બારીયા પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમારા ખેતરનો શેઢો કેમ ખેડી નાંખેલ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ કુહાડી વડે, લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી બંન્નેને શરીરે, હાથે પગે તેમજ શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે કાંતાબેન દિલીપભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.