નડિયાદ સંતરામ મંદિરમાં એક લાખ ઉપરાંતના દીવાઓથી મંદિર સજી ઉઠ્યું

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં શુક્રવારે દેવદિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત રીતે અહીંયા આ દિવસે ઢળતી સાંજે મંદિરના શીખરથી માંડીને પરિસરમાં અંદાજે એક લાખ ઉપરાંતના દીવાઓથી સંતરામ મંદિર સજી ઉઠ્યું હતું. નડિયાદ અને આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં  શુક્રવારે પૂ.રામદાસજી મહારાજના સાનિધ્યમાં દેવદિવાળીના પાવનપર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમગ્ર મંદિર અને પરિસરને એક લાખથી વધુ દિવડાઓને  પ્રજજવલિત કરવામાં આવ્યુ હતું. આ દિવડાઓથી મંદિર ઝળહળી ઉઠ્યુ છે. આ દિપમાળાની રોશની જોવા માટે સમગ્ર શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જ્યારે ૧૦૦ થી વધુ એનઆરઆઈ આ ઉજવણીના દર્શન કરવા માદરે વતન આવી પહોંચ્યા છે. અહીંયા ભગવાન ગુરૂ દત્તાત્રેયના અવતાર સ્વરૂપ યોગીરાજ અવધૂત પરમપૂજય પ્રાત: વંદનીયશ્રી સંતરામ મહારાજની દિવ્ય જયોતિનું તેજ, તપ અને પુણ્ય જોવા મળે છે. જેના થકી અનેકોના જીવનની આસ્થા અને શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. આજે દેવદિવાળીના પાવન પર્વે સંધ્યાકાળે મંદિર શિખરથી માંડીને મંદિર પરિસરમાં અંદાજે એક લાખથી વધુ દીપમાળા પ્રજ્વલિત કરાતા અલૌકિક નજારો જોવા મળ્યો છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં લોખંડની એંગલો પર દીવાઓ સજી ‘જય મહારાજ’ લખાયુ હતુ. આ સમયે હજારો ભાવિકભક્તો અને સ્વયંમસેવકોના હાથ થકી ગણતરીના સમયમાં એક લાખ ઉપરાંતના દીપમાળા પ્રજ્વલિત થયા હતા.ભવ્ય આતશબાજી સાથે દેવદિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. ભજન મંડળીઓએ પણ ભજનની રમઝટ બોલાવી છે. અંદાજે એક લાખથી વધુ ભક્તો આવી પહોંચ્યા હતા અને સમગ્ર વાતાવરણ ‘જય મહારાજ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!