આત્મા પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રાકૃતિક ખેતીની યોજાતી તાલીમ
દાહોદ તા.૧૯
ગુજરાતમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતીને વેગવાન બનાવવા માટે મિશન મોડમાં કામગીરી કરી રહેલી રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામલક્ષી બનાવવા માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટ દ્વારા દાહોદ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં જઈને તાલીમ દ્વારા પ્રેક્ટિકલ તેમજ થિયરીકલ જાણકારી આપવામાં આવી રહી છે.
દાહોદમાં ખેડૂતોને રાસાયણિક ખેતી થકી થતી સમસ્યાઓ તેમજ નુકસાન અંગેની વિસ્તાર પૂર્વક જાણકારી આપીને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા અનેકો ફાયદાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા. કૃત્રિમ ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીન અને વાતાવરણ સાથે માનવશરીરને થતા જોખમ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કેટલું લાભદાયી છે તે અંગે અનેક ગામોના ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તેવા હેતુ સાથે કૃષિ મેળાઓ, તાલીમ શિબિરો, કુદરતી ખાતરો, ગાય આધારિત ખેતી પદ્ધતિ વિશે માહિતગાર કરીને ખેડૂતોને માહિતગાર કરી રહ્યા છે.