દાહોદના મંડાવાવ ગામે ફોર વ્હીલર ગાડી કાઢવા મામલાની અદાવત રાખે ૯ ઈસમોએ મહિલા સહિત ચારને લોખંડની પાઈપ વડે માર મારતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૧૯
દાહોદ શહેરના મંડાવાવ ગામે નવ જેટલા ઈસમોએ ફોર વ્હીલર ગાડી કાઢવા મામલે થયેલ સામાન્ય બોલાચાલીની અદાવત રાખી હાથમાં લોખંડની પાઈપો લઈ ગેરકાયદેસર મંડળી બનાવી આવી મહિલા સહિત ચાર જણાને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદ શહેરના મંડાવાવ રોડ જલારામ મંદિરની પાછળ રહેતાં મહેશભાઈ કચરાભાઈ પ્રજાપતિ તથા દાહોદ શહેરના બહારપુરા વિસ્તારમાં રહેતાં કૃણાલ કિશોરભાઈ પ્રજાપતિ વચ્ચે ફોર વ્હીલર ગાડી કાઢવા મામલે સામાન્ય બોલાચાલી થઈ હતી જે બાબતની અદાવત રાખી ગત તા.૧૭મી નવેમ્બરના રોજ કૃણાલ સાથેનો અર્પિત કિસોરભાઈ પ્રજાપતિએ મહેશભાઈને ફોન કરી કહેલ કે, અમે મંડાવાવ સર્કલ આવીએ છે, તમે ત્યાં ઉભા રહો, તેમ કહેતાં મહેશભાઈ તથા તેમની સાથેના તેમના પરિવારજનો મંડાવાવ સર્કલ પર હાજર હતાં તે સમયે મોટરસાઈકલ તેમજ ફોર વ્હીલર ગાડીમાં આવેલા કિશોરભાઈ ખેમાભાઈ પ્રજાપતિ, અર્પિત કિશોરભાઈ પ્રજાપતિ, કૃણાલ કિશોરભાઈ પ્રજાપતિ, અમીત બારીયા તથા અન્ય પાંચ જેટલા ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી, હાથમાં પાઈપો લઈ મહેશભાઈ પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી મહેશભાઈ, વૃતીક પ્રજાપતિ, પ્રિતીબેન તથા યોગેશભાઈ પ્રજાપતિને લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી કહે કે, હજી તમારૂ કામ કરવાનું છે, તમારે ઘરે આવીને મારીશું, તેવી ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવી નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મહેશભાઈ કચરાભાઈ પ્રજાપતિએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

