પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દાહોદના રાઠોડ નારણભાઇને મળ્યુ પોતાનુ ઘર : પહેલા અનેક અગવડતા પડતી હતી, બાળકો અભ્યાસ કરી શકતા નહોતા, પરંતુ સરકારની આવાસ યોજના થકી અમને આ તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળ્યો છે : સરકારે મારા બાળકોએ સેવેલુ પોતાના ઘરનુ સપનુ સાકાર કર્યુ છે, એ માટે સરકારનો આભાર જેટલો માનુ એટલો ઓછો છે : લાભાર્થી રાઠોડ નારણભાઇ


દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાસવાણી ગામના વતની અને વર્ષોથી પોતાના પરિવાર સાથે કાચા મકાનમા રહેતા રાઠોડ નારણભાઇ પોતે ખેતી કરીને તેમજ નાનુ-મોટુ છુટક કામ કરીને પોતાના પરિવારનુ ભરણ-પોષણ કરે છે, તેમના બાળકોની પણ ઘણીયે ઇચ્છા હતી કે, તેઓનુ પણ પોતાનુ કહી શકાય એવુ એક સરસ મઝાનુ ઘર હોય, જેમા તેઓ આરામથી પોતાનો અભ્યાસ કરી શકે તેમજ દરેક તહેવાર અન્ય લોકોની જેમ પોતાના ઘરમાં ખુશીથી ઉજવી શકે.

ખેતી પર નિર્ભર એવા નારણભાઇની આર્થિક સ્થિતિ એટલી તો સારી નહોતી કે, તેઓ પોતાના બાળકોનુ ઘર માટેનુ આ સપનુ સાકાર કરી શકે. લાભાર્થી નારણભાઇ પોતાની પહેલાની પરિસ્થિતિને યાદ કરતા કહે છે કે, ખેતીમા તો સીઝન અને વાતાવરણ મુજબ બદલાવ આવતા રહે છે, ક્યારેક પાક સારો થાય તો બજાર ભાવ ઓછો હોય અને ક્યારેક પાક ઓછો પાકે ત્યારે બજાર ભાવ વધુ હોય, જેના કારણે આર્થિક તંગી ઘણી નડતી હતી, આવા કપરા સમયે અમે ઘર તો ક્યાંથી ઉભુ કરી શકીએ..!

પહેલા અમારુ નળીયા વાળુ કાચુ મકાન હતુ, દરેક ઋતુમા કોઇને કોઇ નવી મુસીબત ઘરમા આવતી, શિયાળામા ઠંડીમા ચારેબાજુથી પરિવાર ઠુંઠવાતો તો ચોમાસામા છત પરથી વરસાદનુ પાણી નેવાળાની જેમ આખાયે ઘરમાં પડતુ, આગળ-પાછળ એમ ચારેબાજુથી પાણીની ધારો ઘરમા વહી આવતી, ઘરમા રહેલા કપડા, બાળકોના ચોપડા, ઘર-વખરી તેમજ અનાજ બધુય પલળી જતુ ને એય ઓછુ હોય તેમ નાના-મોટા જીવ-જંતુઓ ઘરમા પેસી જતા ને આસ-પાસ જંગલ-ઝાડીઓ હોવાના કારણે જનાવરોનો ડર તો પાછો કાયમનો, જેના કારણે ઘણીવાર તો રાત્રે જાગવુ પણ પડતુ હતુ.

પરંતુ સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણકારી અમને ગામના સરપંચ થકી મળી, જે અમારા જેવા જરૂરિયાતમંદ લોકો માટે આશિર્વાદરૂપ છે. આ આવાસ યોજનાના કારણે અમને આ તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળ્યો છે. હવે મારો પરિવાર ઘરમા ચિંતા વગર આરમથી સુઇ શકે છે, સરકારે મારા બાળકોએ સેવેલુ પોતાના ઘરનુ સપનુ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સાકાર કર્યુ છે, એ માટે સરકારનો આભાર જેટલો માનુ એટલો ઓછો છે એમ લાભાર્થી રાઠોડ નારણભાઇએ જણાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: