આત્મા પ્રોજેક્ટ, બાગાયતી તેમજ ખેતીવાડી વિભાગના સંયુક્તક્રમે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે કરાતી નોંધનીય કામગીરી : દાહોદ જિલ્લામાં સીંગવડ તાલુકાના પીપડીયા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક અને ફાર્મર માસ્ટર ટ્રેનર્સ તેમજ આત્મા પ્રોજેક્ટ દ્વારા કિસાન ગોષ્ઠી યોજાઈ


દાહોદ તા.૨૬

પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે સમગ્ર દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓ પ્રમાણે પાંચ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમો યોજાઈ રહી છે. ત્યારે દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપડીયા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદના વૈજ્ઞાનિક અને ફાર્મર માસ્ટર ટ્રેનર્સ તેમજ આત્મા પ્રોજેક્ટ દ્વારા રવિ પાકોને ધ્યાને રાખીને કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કિસાન ગોષ્ઠી કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીને કેન્દ્ર સ્થાને રાખીને રાસાયણિક ખાતરને બદલે જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનોનો ઉપયોગ કરવા સહિત મોર્ડન ખેતી કરવાથી થતા ફાયદા અંગેની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. સાથોસાથ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ રવિ પાકની વાવણી વિશે મૂંઝવતી બાબતોની પણ ચર્ચા કરી પ્રશ્નોતરી કરવામાં આવી હતી.

આ ગોષ્ઠી દરમ્યાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદના ફાર્મ મેનેજરશ્રી આર.બી. ભલાણીએ પ્રાકૃતિક કૃષિ અંતર્ગત રવિ ઋતુમાં વાવણી પહેલા ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપ્યું હતું. રવિ ઋતુ દરમ્યાન પાકોમાં પ્રાકૃતિક કૃષિના આયામો અંતર્ગત વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ, બાગાયતી વિભાગ તેમજ ખેતીવાડી વિભાગના સંયુક્તક્રમે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે નોંધનીય કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પણ હવે પ્રાકૃતિક ખેતી પ્રત્યે અગ્રેસર રહી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપીને એ તમામ ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!