દેવગઢ બારીઆની સાગટાળા પોલીસે છેલ્લા એક વર્ષથી પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા પોલીસે પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપીને પોલીસે ઝડપી પાડી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી કરી રહી છે ત્યારે દેવગઢ બારીઆના સાગટાળા પોલીસના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જી.બી. પરમાર તથા તેમની ટીમને મળેલ બાતમીના આધારે પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષની નાસતો ફરતો આરોપી દિનેશભાઈ શંકરભાઈ બારીઆ (રહે. કુવા, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નો ઝાબ ગામે ચોકડી પર હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઝાબ ગામે વોચ ગોઠવી ઉભા હતાં ત્યારે ઉપરોક્ત નાસતો ફરતો આરોપી ઝાબ ગામે ચોકડી પર નજરે પડતાંની સાથે પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.