દાહોદના હનુમાન બજારમાં આવેલ એક કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં દૈનિક બચતના નાણાં કલેક્ટિંગ એજન્ટ દ્વારા ૨૫.૫૨ લાખ ઉપરાંતના નાણાંની ઉચાપત.

દાહોદના હનુમાન બજારમાં આવેલ એક કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં દૈનિક બચતના નાણાં કલેક્ટિંગ એજન્ટ તરીકે ફરજ બજાવતી એક મહિલાએ ક્રેડિટ સોસાયટીના દૈનિક બચતવાળા ૧૯૫ જેટલા ખાતેદારો પાસેથી ૧૮ મહિનાના સમય ગાળામાં દૈનિક બચતના ઉઘરાવેલા નાણામાંથી રૂપિયા ૨૫.૫૨ લાખ ઉપરાંતના નાણાંની ઉચાપત કર્યાનું તપાસમાં બહાર આવતા દાહોદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદમાં કમલા ભવન શોપિંગ સેન્ટરની સામે ગૌશાળા ખાતે રહેતા દીપિકાબેન અલ્કેશકુમાર ભાટિયા પોતે દાહોદ હનુમાન બજારમાં આવેલ ધી મહાલક્ષ્મી મહિલા કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી. દાહોદમાં દૈનિક બચતના નાણાં કલેકટીંગ એજન્ટ તરીકે ફરજ બજાવતા હોઈ તેઓએ તારીખ ૧-૧-૨૦૨૩ થી તારીખ ૧૪-૬-૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન ધી મહાલક્ષ્મી કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં દૈનિક બચત કરતા કુલ ૧૯૫ જેટલા ખાતેદારો પાસેથી દૈનિક બચતના ઉઘરાવેલા નાણાંમાંથી કુલ રૂપિયા ૨૫,૫૨,૬૯૬/-જેટલી માતબર રકમ સદર કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ઓફિસમાં જમા નહીં કરાવી બારોબાર ઉચાપત કરી પોતાના અંગત કામમાં વાપરી નાખી સદર કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી સૌપ્રથમ સદર કો. ઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારોએ દીપિકાબેન અલ્કેશકુમાર ભાટિયાને દૈનિક બચતના ઉઘરાવેલ પૂરેપૂરા નાણાં સોસાયટીની ઓફિસમાં જમા કરાવવા જણાવ્યું હતું. પરંતુ આજ દિન સુધી તેઓએ દૈનિક બચતના ઉઘરાવેલા નાણામાંથી ઉચાપત કરેલ રૂપિયા ૨૫,૫૨,૬૯૬/-ની માતબાર રકમ સોસાયટીની ઓફિસમાં જમા ન કરાવતા અને આ નાણાં અંગે કો. ઓપરેટિવ સોસાયટી દ્વારા અવાર નવાર નોટિસ કરાતી હોવા છતાં દીપિકાબેન અલ્કેશકુમાર ભાટિયાએ સદર કો-ઓપરેટીવ સોસાયટીની ઓફિસમાં જમા ન કરાવતા અંતે સદર કો ઓપરેટિવ સોસાયટીમાં નોકરી કરતા દાહોદના પાયલબેન નવીનચંદ્ર રમણલાલ મોઢીયાએ આ સંબંધે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દીપીકાબેન અલ્કેશકુમાર ભાટિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે વિશ્વાસઘાત અને છેતરપિંડી સબબ ઇપીકો કલમ ૪૦૯,૪૦૬,૪૨૦ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: