ગળતેશ્વરના ગામોમાં લટાર મારી રહેલો દીપડો અંતે સાંગોલ ગામે પાંજરે પુરાયો

નરેશ ગનવાણી નડિયાદ

ગળતેશ્વર તાલુકાના ચાર થી વધુ ગામોમાં દીપડાની દહેશત છેલ્લા પખવાડિયાથી જોવા મળી હતી. જેના કારણે ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. વન વિભાગે પણ દીપડાને પકડવા  વિસ્તારોમાં પાંજરા ગોઠવ્યા હતા. છેવટે આજે સોમવારે દીપડો સાંગોલ ગામે મુકેલા પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના થર્મલ, વનોડા, સાગોલ, સોનીપુર, કૂણી ગામની સીમમાં દીપડાના આટાફેરા વધ્યા હતા. છેલ્લા ૧૫ દિવસથી આ વિસ્તારમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો  હતા. સાંજ પડે એટલે ગામના બજારો ટપોટપ બંધ થઇ જાય અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા. ગામની સીમમાં દીપડાના સીસીટીવી ફુટેજ પણ મળ્યા હતા. તો બીજી તરફ દીપડાએ એક પશુનું મારણ પણ કર્યું હતું. દીપડો હોવાનું પુરવાર થતાં આર.એફ.ઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને સંભવિત જગ્યાએ દીપડો પાંજરે પુરાય તે માટે 3થી વધુ પાંજરા મુકવામાં આવ્યાં હતા. જોકે, આ બનાવને પગલે થર્મલ, સાગોલ, સોનીપુર, કૂણી ગામમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ ઉપરાંત પશુનું મારણને લઈને ગ્રામજનો ખુબજ ડરના ઓથા તળે રાત ગુજારતા હતા. છેવટે ૧૫ દિવસ બાદ વિભાગ દ્વારા મુકવામાં આવેલ સાગોલ ગામની સીમમાં મુકેલા પાંજરામાં પુરાયો છે. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: