કપડવંજના સાવલી પાટીયા પાસેથી રૂ. ૪.૧૮ લાખની ચાઈનીઝ દોરી સાથે બે ઈસમો ઝડપાયા
નરેશ ગનવાણી નડિયાદ
ઉત્તરાયણ પર્વ નજીકના દિવસોમાં આવવાનો છે ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો શરૂ થયો છે. વેપારીઓ વધુ નફાની લાલચમાં આવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરે છે. જેના કારણે કેટલાક પક્ષીઓ અને માનવ જીવનની જીંદગી હણાય છે. ખેડા જિલ્લા પોલીસ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપલા સામે અત્યારથી જ કાર્યવાહી આરંભી દીધી છે.
કપડવંજ ગ્રામ્ય પોલીસે સાવલી પાટીયા પાસેથી આઈસર ટ્રકમાં લઈ જવાતો રૂપિયા ૪.૧૮ લાખના ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા છે. ચાઈનીઝ દોરી અને વાહન મળી કુલ રૂપિયા ૧૧.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કપડવંજ ગ્રામ્ય પોલીસે કપડવંજ તાલુકાના સાવલી પાટીયા નજીકથી કપડવંજ તરફ આવતી આઈસર ટ્રક ને શંકાના આધારે ઉભી રાખી ચાલક અને સાઈડમાં બેઠેલા ઈસમની પુછપરછ કરતા પોતાના નામ મહંમદસિદકી સીરાજમીયા મલેક (રહે.સધાણા, જમાલપુર, તા.માતર) અને મોહસીનખાન અનવરખાન પઠાણ (રહે. ભાલેજ, આણંદ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે આઈસર ટ્રકની તલાસી લેતા આઈસર ટ્રકમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ પ્લાસ્ટિક દોરીના ૧૬૭૪ ફીરકા કિંમત રૂપિયા ૪ લાખ ૧૮ હજાર ૫૦૦ સાથે ઉપરોક્ત બંનેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ બનાવમાં ગુનામાં વપરાયેલ વાહન તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૧ લાખ ૨૮ હજાર ૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.