અલીન્દ્રા નજીક એસટી બસમાં ૧૦૮ની ટીમ દ્વારા મહિલાની પ્રસુતિ, માતા-પુત્ર સ્વસ્થ
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના અલીન્દ્રા પાસે એસટી બસમાં મુસાફરી કરી રહેલ મહિલાને પ્રસુતાની પીડા ઉપડતાં બસને અલીન્દ્રા બસ સ્ટેન્ડ પર ઉભી રાખી ૧૦૮ ને જાણ કરવામાં આવતા સ્થળ પર પહોંચી બસમાં જ મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી.
અમદાવાદથી મધ્યપ્રદેશ જતી બસ ગુરૂવારે સાંજે અલીન્દ્રા નજીકથી પસાર થઇ રહી હતી, તે સમયે જ્યાસીબેનને પ્રસુતિની પીડા ઉપડી હતી. તે સમયે બસ ચાલક અને કંડક્ટરે સમયસૂચકતા વાપરી બસને અલીન્દ્રા બસ સ્ટેન્ડે રોકી હતી અને તુરંત જ ૧૦૮ ને જાણ કરવામાં આવતાં ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. બસમાં જ્યાસીબેનને તપાસ્યા બાદ બસમાં જ તેમની પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. સફળ પ્રસુતિ બાદ જ્યાસીબેન અને તેમના નવજાન પુત્રને આગળની સારવાર માટે સીએચસીમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાસીબેન મૂળ ભોપાલના વતની છે. રાજકોટથી તેઓ ગુરૂવારે ભોપાલ જવા નીકળ્યા હતા. જ્યાસીબેનને બે વર્ષનું બાળક છે. હાલમાં માતા-પુત્ર બંને સ્વસ્થ છે અને સીએચસીમાં સારવાર હેઠળ છે.