દાહોદ શહેરમાં એક કરિયાણાના વેપારીને કોર્ટ દ્વારા રૂા.૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો
દાહોદ તા.૧૭
દાહોદ શહેરમાં એક કરિયાણાના વેપારીને ત્યાંથી દાહોદ નગરપાલિકાના ફુડ વિભાગે ઓચિંતી તપાસ હાથ ધર્યા બાદ કરિયાણાના વેપારીની દુકાનમાંથી ફુડ વિભાગે કાળા મરી (લુઝ)નો નમુનો એફએસએલ માટે મોકલતા આ કાળા મરી (લુઝ) અનસેફ ફુડ રિપોર્ટમાં જાહેર થતાં આ કેસ દાહોદની નામદાર કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટ દ્વારા વેપારીને રૂપીયા એક લાખના દંડની વસુલાત કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ગત તા.૦૬.૦૧.૨૦૨૦ના રોજ દાહોદ શહેરમાં બુરહાની કરિયાણાના સ્ટોર નામની દુકાન ચલાવતાં ૭૭ વર્ષિય અકબરઅલ તૈયબઅલી નુરભાઈવાલાની કરિયાણાની દુકાનમાં દાહોદ ફુડ વિભાગની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી જેમાંથી ફુડ વિભાગની ટીમે કાળા મરી (લુઝ)નો જથ્થો શંકાસ્પદ લાગ્યો હતો જેને પગલે કાળા મરી (લુઝ)નો ૭૦૦ ગ્રામનો સેમ્પલ નમુનો લઈ આ સેમ્પલને એફએસએલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ આવતાં આ કાળા મરી (લુઝ) એનસેફ ફુડ તરીકે રિપોર્ટમાં જાહેર થયું હતું. આ મામલે ફુડ વિભાગ દ્વારા દાહોદની નામદાર કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જેમાં આ કેસ ગતરોજ ચાલી જતાં અને દાહોદની નામદાર કોર્ટ દ્વારા જરૂરી પુરાવાઓ અને વકીલોની દલીલોને ધ્યાનમાં રાખી ઉપરોક્ત દુકાનના માલિક અકબરઅલ તૈયબઅલી નુરભાઈવાલાને રૂપીયા એક લાખના દંડની વસુલાતનો હુકમ કરવામાં આવ્યો હતો.