ઝાલોદના કારઠ ગામે કળીયુગી શ્રવણે માતાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં : દાહોદના બોરવાણી ગામે એકને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં
દાહોદ તા.૧૮
દાહોદ જીલ્લામાં અલગ અલગ બનાવમાં બે લોકોની હત્યા કરવામાં આવી હોવાની જાણકારી મળી છે. દાહોદ તાલુકાના બોરવાણી ગામે મહિલા સાથેના આડા સંબંધ મામલે યોજાયેલ ધીંગણામાં એક આધેડને માથામાં કુહાડી મારી મોત નીપજાવ્યુ હતું તો બીજા બનાવમાં ઝાલોદ તાલુકાના કારઠ ગામના કલીયુગના શ્રવણે જમવાનું બનાવવા બાબતેમાં બેટા વચ્ચે થયેલા ઝઘડામાં પુત્રએ માતાને લાકડુ તથા કડછાથી માથામાં પ્રહાર કરતા મોત નીપજ્યું હોવાનો બનાવ બન્યો છે. બંન્ને ઘટના સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાનો પ્રથમ બનાવ ઝાલોદના કારઠ ગામે બનવા પામ્યો હતો જેમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામે ખેડા ફળિયામાં રહેતા વિજયભાઈ બાબુભાઈ બારીયાએ ગઈકાલે સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે પોતાના ઘરે આવી તેની માતા ૪૩ વર્ષીય સુરતાબેન બાબુભાઈ પારસિંગભાઈ બારીયા સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો કર્યો હતો. અને ઉગ્ર બોલાચાલી બાદ એકદમ ઉશ્કેરાયેલાં વિજય બાબુભાઈ બારીયાએ ચુલા નજીક પડેલ લાકડું ઉઠાવી પોતાની સગી જનેતા સુરતાબેનના માથામાં ઝીંકી તથા નજીકમાં પડેલ સ્ટીલના કડછો ઉઠાવી માથાના ભાગે પ્રહાર કરી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ સંબંધે કારઠ ગામના ખેડા ફળિયામાં રહેતા હુરાભાઈ હવસિંગભાઈ બારીયાએ લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે આ સંદર્ભે કારઠ ગામના ખેડા ફળિયામાં રહેતા વિજય બાબુભાઈ બારીયા વિરુદ્ધ પોતાની સગી જનેતાની હત્યા કરવા સબબ બી. એન.એસ. કલમ ૧૦૩(૧) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યાનો બીજાે બનાવ દાહોદના બોરવાણી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૭મી ડિસેમ્બરના રોજ દાહોદ તાલુકાના બોરવાણી ગામના વચલા પટેલ ફળિયામાં રહેતા બિલવાળ પરિવારના કલાભાઈ ચુનિયાભાઈ, અજયભાઈ કલાભાઈ, સાહિલભાઈ કલાભાઈ, રાકેશભાઈ ચુનિયાભાઈ, વિજયભાઈ રાકેશભાઈ, ટીટાભાઈ ચુનિયાભાઈ તથા કાળુભાઈ ચુનિયાભાઈ વગેરે ભેગા મળી એક સંપ કરી લાકડી, લોખંડની પાઇપ તથા કુહાડી જેવા મારક હથિયારો લઇ તેમના ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ નટુભાઈ બિલવાળના ઘરના આંગણામાં આવી ઉગ્ર બોલાચાલી કરી બેફામ બિભત્સ ગાળો બોલી એકદમ મુશ્કેલાઈ જઈ રૂપાબેન સીસકાભાઈ બીલવાળને જમણાહાથે તથા માથાના ભાગે લાકડી મારી ઇજા કરી હતી. જ્યારે મહેન્દ્રભાઈ અટુભાઈ બિલવાળના પિતા અટુભાઈને જમણા કાનના ઉપરના ભાગે માથામાં કુહાડીનો ઘા ઝીંકી લોહી લુહાણ કરી ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા હતા. જ્યારે સીસકાભાઈ વરસીંગભાઇ બિ લવાળને કપાળના ભાગે લાકડી મારી, કૃણાલભાઈ સિસકાભાઈ બિલવાળને માથાના ભાગે લાકડી મારી, નાહટાભાઈ વરસીંગભાઇને માથાના ભાગે લોખંડની પાઇપ મારી, અરૂણભાઇ સિસકાભાઈને જમણા હાથની હથેળીના ભાગે લોખંડની પાઇપ મારી તથા મહેન્દ્રભાઈ અટુભાઈને ડાબા ખભાના ભાગે લાકડી મારી ઇજાઓ પહોંચાડી નાસી ગયા હતા. આ સંબંધે મરણ જનાર અટુભાઈ બિલવાળના પુત્ર મહેન્દ્રભાઈ અટુભાઈ બિલવાળે નોંધાવેલી ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલીસે બોરવાણી ગામના બિલવાળ કુટુંબના કલાભાઈ ચુનિયાભાઈ, અજયભાઈ કલાભાઈ, સાહિલભાઈ કલાભાઈ રાકેશભાઈ ચુનિયાભાઈ વિજયભાઈ રાકેશભાઈ ટીટાભાઇ ચુનિયાભાઈ તથા કાળુભાઈ ચુનિયાભાઈ વગેરે વિરુદ્ધ બી.એન.એસ.૨૦૨૩ ની કલમ ૧૦૩(૨),૧૧૫(૨)૧૧૮(૧), ૧ ૮ ૯ ( ૨ ), ૧ ૯ ૧ ( ૨ ) , ૩૫૧(૩),૩૫૨,૫૪ મુજબ રાયોટીંગ વિથ મર્ડરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ઉપરોક્ત તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.