દાહોદના બોરખેડા ગામે છોકરી ભગાડી જવાના મામલે થયેલ ઝઘડામાં ૧૬ જેટલા ઈસમોએ એક મહિલાને માર મારી ઘરોમાં તેમજ વાહનોની તોડફોડ કરી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ચકચાર મચી
દાહોદ તા.૨૦
દાહોદ તાલુકાના બોરખેડા ગામે છોકરી ભગાડી જવાના મામલે થયેલ ધીંગાણામાં ૧૬ જેટલા ઈસમોના ટોળાએ એક મહિલાને માર મારી ઇજા પહોંચાડી ઘરોમાં તોડફોડ કરી તેમજ ઘરોની આગળ મુકેલ બાઇકોની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
દાહોદના બોરખેડા ગામે રાબડીયા ફળિયામાં રહેતા રમેશભાઈ રમસુભાઈ ગુંડીયા, બાલુભાઇ બીજિયાભાઈ ગુંડિયા, નબળાભાઈ મલસિંગભાઈ માવી, કીર્તનભાઈ રત્નાભાઇ માવી, અર્જુનભાઈ તીતરીયાભાઇ માવી, જેતાભાઈ અબરૂભાઈ માવી, વિંછીયાભાઈ હીરકાભાઈ ગુંડિયા, નરાભાઈ રમસુભાઈ ગુંડિયા, ગવાભાઈ રામાભાઇ માવી, રમેશભાઈ રામાભાઇ માવી, લલ્લુભાઈ હિરકાભાઈ માવી, ભગાભાઈ હીરકાભાઇ ગુંડિયા, જાલુભાઈ રૂસિંગભાઈ માવી, રમશુભાઈ મલસીંગભાઇ માવી તથા ટીટીયા ભાઈ સુરસીંગભાઈ માવી વગેરેએ ગઈકાલે સવારના સાડા સાત વાગ્યાના સુમારે એક સંપ કરી ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયારો લઇ કેકિયારીઓ કરતા કરતા ગાળો બોલી દોડી આવી તેમના ફળિયામાં રહેતા ઝવરીબેન હિંમતભાઈ દેવજીભાઈ ભુરીયા તથા તેમના ઘરના માણસોને ગાળો બોલી તમારો છોકરો અમારી છોકરીને લઈ ગયેલ અને તેનું સમાધાન પણ થઈ ગયેલ તેમ છતાં ફરીથી કેમ લઈ ગયેલ છે ? તેમ કહી ઉશ્કેરાઈ જઈ ઝવરીબેન ભુરીયા તથા તેમના માણસોના મકાનોની તોડફોડ કરતાં ઝવરીબેન તથા તેમના માણસ હોય અમારું છોકરો તમારી છોકરીને લઈ ગયો નથી તેમ કહેવા છતાં ઉપરોક્ત તમામ માણસોએ ભેગા મળી ઝવરીબેન ભુરીયા તથા તેમના માણસોના મકાનોની તોડફોડ કરી તેમજ ફળિયાના ઘરોની આગળ મુકેલ બાઈકોની તોડફોડ કરી નુકસાન પહોંચાડી રમીલાબેનને લાકડી તથા ઘરડા પાટુનો માર મારી બીજા પહોંચાડી ધીંગાણું મચાવી નાખી ગયા હતા.
આ સંબંધે બોરખેડા ગામના રાબડીયા ફળિયામાં રહેતા ઝવરીબેન હિંમતભાઈ ભુરીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે કતવારા પોલીસે બોરખેડા ગામના ઉપરોક્ત ૧૬ જણા વિરુદ્ધ બી એન એસ ૨૦૨૩ની કલમ ૧૮૯(૨), ૧૯૧(૩), ૧૯૦, ૩૨૪(૪), ૧૧૫(૨), ૩૫૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

