રાજસ્થાનથી વિદેશી દારૂ નડિયાદના માઘરોલી ગામે લઈ જતા બે ઇસમો ઝડપાયા
નરેશ ગનવાણી નડિયાદ
સેવાલીયા પોલીસે નડિયાદના માઘરોલી ગામના બુટલેગર કાકા-ભત્રીજા રાજસ્થાનથી રૂપિયા ૨.૫૩ લાખનો વિદેશી દારૂ નડિયાદના માઘરોલી ગામે લઈ જતાં ગળતેશ્વરના જરગાલ પાસેથી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે વાહન મળી કુલ રૂપિયા ૫.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સેવાલીયા પોલીસે બાતમીના આધારે જરગાલ ગામની સીમમાં ટકિયા વિસ્તારમાં ઊભુ રહેલા વાહનની તલાશી લેતાં આ વાહનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અહીયા હાજર મળી આવેલા બે ઈસમો સુખા લક્ષ્મણ તળપદા અને બીપીન નવઘણ તળપદા (બંન્ને રહે.માઘરોલી સીમ, નડિયાદ)ને અટકાયત કરી પોલીસે ઉપરોક્ત પીકઅપ ડાલામાંથી ગણતરી કરતા કુલ રૂપિયા ૨ લાખ ૫૩ હજાર ૭૦૪નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે મોબાઇલ ફોન અને વાહન મળી કુલ રૂપિયા પાંચ લાખ ૬૩ હજાર ૭૦૪નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો.
પુછપરછમાં આ બંને આરોપીઓ કાકા-ભત્રીજા થાય છે. આ બંને લોકો રાજસ્થાનના રેલ્લાવાડા ઠેકા પરથી આ વિદેશી દારૂનો જથ્થો લઇ આવ્યા હતા અને માઘરોલી ગામે લઇ જતા હતા. જોકે સવાર પડી જતાં પોલીસથી બચવા અહીંયા જરગાલ ગામે સંતાયા હોવાની કબૂલાત જણાવ્યું છે. સેવાલીયા પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
