દાહોદ એલસીબી પોલીસ દ્વારા ગરબાડાના નઢેલાવ ગામેથી ખેતરમાંથી રૂા.૯ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે પીકઅપ ગાડી કબજે કરવામાં આવી
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામેથી દાહોદ એલસીબી પોલીસે એક ખેતરમાંથી પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.૪,૬૫,૨૪૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૯,૭૦,૨૪૦ના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી જ્યારે ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે. ગત તા.૨૧મી ડિસેમ્બરના રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગરબાડાના નઢેલાવ ગામે બુરવા ફળિયામાં રોડની બાજુમાં જતાં કાચા રસ્તાની પાસેના ખેતરમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જ્યાં એક પીકઅપ ઉભેલ હોઈ પોલીસ તે તરફ જતાંની સાથે ત્યાં હાજર કમલેશભાઈ નવલસિંહ હઠીલા (રહે. નઢેલાવ, પટેલ ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ) અને પીકઅપ ગાડીનો ચાલક જેને આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશમાંથી ભરી આપ્યો હતો તે મનહરભાઈ મગનભાઈ મિનામા (રહે. માતવા, તા. ગરબાડા, જિ. દાહોદ) બંન્ને પોલીસને જાેઈ ભાગવાનો પ્રયાસ કર્યાે હતો. પોલીસે આ બંન્ને ઈસમોનો ફિલ્મી ઢબે પીછો કરી જેમાંથી પોલીસે કમલેશભાઈ નવલસિંહ હઠીલાને ઝડપી પાડ્યો હતો હતો જ્યારે પીકઅપ ગાડીનો ચાલક મનહરભાઈ મગનભાઈ હઠીલા પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે પીકઅપ ગાડીની ચલાતી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ.૯૮ જેમાં બોટલો નંગ.૩૩૨૪ જેની કિંમત રૂા.૪,૬૫,૨૪૦ના પ્રોહી જથ્થા પીકઅપ ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૯,૭૦,૨૪૦નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ કમલેશભાઈની પોલીસે પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો સરદારભાઈ સોબાનભાઈ મકવાણા (રહે. કથોલીયા, તા.લીમખેડા, જિ.દાહોદ) નાએ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.