દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવોમાં એક મહિલા સહિત સાતને શરીરે ઈજાઓ પહોંચી
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા સમયે બનેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક મહિલા સહિત કુલ છ જણાને ઈજાઓ થતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ ગરબાડા તાલુકાના ગરબાડા ગામે તેજાજી મંદિર પાસે રોડ પર સવારના સાડા નવેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના બોરકુંડિયા ગામના પંકજભાઈ કેશવભાઈ સોલંકીએ પોતાના કબજાની જીજે૨૦એન- ૮૨૮૫ નંબરની મારુતિ સુઝુકી ફોરવીલ ગાડી રીતે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી આગળ જતી ગુગરડી ગામના રઘુવીર દેવચંદભાઈ પાલા (ગારી)ની જીજે ૨૦ એસી-૬૭૬૭ નંબરની મોટરસાયકલને પાછળથી જાેશબેર ટક્કર મારી નાસી જતા મોટરસાયકલ ચાલક રઘુવીર દેવચંદભાઈ પાલાને સામાન્ય ઇજાઓ થવા પામી હતી જ્યારે મોટરસાયકલ પર પાછળ બેઠેલ રમીલાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. તેમજ જમણા થાપાના ભાગે ફેક્ચર થવા પામ્યું હતું. જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ગરબાડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ગરબાડા પોલીસે મારુતિ સુઝુકી ફોરવીલ ગાડીના ચાલક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બોરકુંડીયા ગામના પંકજભાઈ કેશવભાઈ સોલંકી વિરુદ્ધ માર્ગ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે જિલ્લામાં માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના ધુમણી (દુ) ગામે સાંજના પાંચેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં દિનેશભાઈ ગુરુજીભાઈ નામના ઈસમે તેના કબજાની જીજે ૦૧જેજી-૧૭૬૩ નંબરની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતી હાથીયાવન ગામના મિતેશભાઇ રમેશભાઈ કટારાની જીજે ૨૦ એઆર૭૨૮૯ નંબરની મોટરસાયકલને સામેથી ટક્કર મારતા બંને મોટરસાયકલ પર સવાર ચારે જણા રોડ પર પટકાયા હતા. જેથી મિતેશભાઇ રમેશભાઈ કટારાને માથામાં ગંભીર ઇજાઓ થવા પામી હતી તેમજ મેહુલભાઈ નરવતભાઈ કટારાને શરીરે ઓછી વધતી ઇજાઓ થવા પામી હતી જ્યારે દિનેશભાઈ ગુરુજીભાઈ તેમજ તેની મોટરસાયકલ પર પાછળ બેઠેલ ઈસમને પણ ઇજાઓ થવા પામી હતી જેથી ચારેય જાગ રસ્તોને સારવાર માટે લીમખેડાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ સંબંધે લીમખેડા પોલીસે દિનેશભાઈ ગુરુજીભાઈ નામના મોટરસાયકલ ચાલક વિરુદ્ધ માર્ગ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.