મકાઇના પાકની નવી જીવાત ફોલ આર્મીવોર્મનાં નિયંત્રણ માટે કૃષિ વિભાગનું માર્ગદર્શન

દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લામાં મકાઇના પાકમાં ‘ફોલ આર્મીર્મ’ નામની નવી જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો છે. આ જીવાત લશ્કરી ઇયળ પ્રકારની છે. મકાઇના છોડની અંદર પ્રવેશી નુકસાન કરે છે. નવા પાંદડા ઇયળે કાપેલા-ખાધેલા જણાય છે.
આ ઇયળના માથા પર “Y” આકારની નિશાની જોવા મળે છે. ઇયળની પૂંછડી ઉપર છેલ્લાથી આગળના ભાગમાં ચોરસ આકારમાં ઘાટા કાળા રંગના ઉપસેલા ચાર ટપકા જોવા મળે છે.
ખેડૂત મિત્રોએ ઇયળના નિયંત્રણ માટે આ મુજબ પગલાં લેવા. હેક્ટરે પાંચ ફેરોમેન ટ્રેપ ગોઠવવા, ઇંડાના સમુહ અને જુદી જુદી અવસ્થાની ઇયળોનો હાથથી વીણી એકત્ર કરી કીટનાશકના દ્વાવણમાં ડૂબાડી નાશ કરવો. ઉપદ્રવ જણાય તો બેસીલસ થુરીન્ઝીએન્સીસ પાવડર ૨૦ ગ્રામ અથવા બેવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા લીમડાનું તેલ ૩૦ મીલી + કપડા ધોવાનો પાવડર ૧૦ ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક એઝાડીરેકટીન – ૧૫૦૦ પીપીએમ ૪૦ મીલી પૈકીની કોઇ પણ એક જૈવિક – વનસ્પતિજન્ય દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી, આખો છોડ તેમજ ભૂંગળી પલળે તે રીતે છંટકાવ કરવો.
જો વધુ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે તો રાસાયણિક દવાઓ જેવી કે કલોરોપાયરીફોસ ૨૦ ટકા ઇસી ૨૦ મીલી અથવા સ્પીનોસાડ ૪૫ એસી ૩ મીલી અથવા એમોમેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મીલી પૈકીની કોઇ પણ એક જંતુનાશક દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી છોડ તેમજ ભૂંગળી પલળે તે રીતે છંટકાવ કરવો અને જરૂર જણાય તો અઠવાડિયા પછી જંતુનાશક દવા બદલી બીજો છંટકાવ કરવો પરંતુ જંતુનાશક દવાના છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછા ૧૦ થી ૧૫ દિવસનો સમયગાળો જાળવવો.
આ અંગે વધુ માહિતી માટે ખેતીવાડી ખાતાના અધિકારી-કર્મચારીશ્રીઓ અને નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા તો કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોશ્રીઓનો સંપર્ક કરવા દાહોદના જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સુથારે એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.
Sindhuuday dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: