રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નડિયાદને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય

નરેશ ગનવાણી નડિયાદ

વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં આજે મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નડિયાદને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લેવાતા નડિયાદ નગરજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. નડિયાદ અને આસપાસના ૧૦ ગામો ભેળવી મહાનગરપાલિકા બનાવામાં આવશે.
નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવ માટે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જાહેરાત કરાઈ હતી. ત્યારે  વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે રાજ્યની ૮ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે તેવી જાહેરાત કરાઈ છે. જેના પગલે  નડિયાદ વાસીઓમા આનંદની લાગણી પ્રસરી છે. નડિયાદમાં પાલિકાના હદ વિસ્તાર સહિત યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમળા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નડિયાદ મહાનગરપાલિકા બનશે.
મહાનગરપાલિકાની રચનાના નિર્ણયની મંજૂરી આપી દેવામાં આવી છે. મહાનગરપાલિકા બનતા ગ્રામ પંચાયતો નિકળી જશે અને શહેરી વિસ્તારમાં ભળી જશે જેથી વિકાસને વેગ મળશે.
મહાનગરપાલિકામાં રૂપાંતરિત થવાથી  રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટલાઇટ, બાગ બગીચા, કોમ્યુનીટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!