ઝાલોદ તાલુકાના વ્યાપારીઓ દ્વારા મુસદ્દારૂપ જંત્રીના ભાવ ઘટાડવા ધારાસભ્ય મહેશ ભૂરીયાને રજૂઆત કરી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના વ્યાપારીઓ દ્વારા મુસદ્દારૂપ જંત્રીના ભાવ ઘટાડવા ધારાસભ્ય મહેશ ભૂરીયાને રજૂઆત કરી
ગુજરાત સરકાર દ્વારા જંત્રીના ભાવ વધારા સામે નગરજનોમા આક્રોશ
ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા નાગરિકોને આશ્વાસન આપ્યું કે મુખ્યમંત્રીને મળી જંત્રીના ભાવ ન વધે તેવા પૂરતા પ્રયાસ કરશે
ગુજરાત સરકાર દ્વારા 2024 મા મુસદ્દારૂપ જંત્રીનો વધારો કરતા પહેલા ઝાલોદ-લીમડી નગરના પાયાના મુદ્દા ધ્યાનમાં લેવા માટે વ્યાપારી મંડળનું એક પ્રતિનિધિ મંડળ ઝાલોદ એ.પી.એમ.સી ખાતે ધારાસભ્ય મહેશ ભૂરીયાને મળી લેખિત રજૂઆત કરી
જંત્રીના ભાવ ન વધારી યથાવત રાખે તેવો પત્ર આપવામાં આવ્યો હતો અને વ્યાપારી મંડળની રજૂઆત દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ જંત્રીના નવા ભાવની જાહેરાત કરી હતી જેને લઈ ઝાલોદ તાલુકાના વ્યાપારી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવેલ છે સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરાતા મિલકતના ભાવો વધી જશે તેથી ગ્રાહકને મિલ્કત લેવું મોંઘુ પડી જશે. વ્યાપારી મંડળના પ્રતિનિધિઓ દ્વારા ધારાસભ્ય મહેશ ભૂરીયાને રજૂઆત કરાતા કહ્યું હતું કે સરકાર દ્વારા 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં જે વધારો કરેલ છે તે ખૂબ જ મોટો છે જેના લીધે સામાન્ય નાગરિકને તેની અસર ખૂબ મોટી પડે તેમ છે.વ્યાપારીઓ નું માનવું છે કે જંત્રીના ભાવના વધારાના લીધે સ્ટેમ્પ ડ્યૂટી તેમજ અન્ય પ્રિમિયમની રકમમાં મોટો વધારો થશે તેથી આજે જે કીમતમા મકાન, દુકાન કે ખુલ્લી જમીન બજારમાં મળે છે તેના કરતાં બમણો વધારો મિલકતની કિંમતોમાં થશે જેથી ખરીદનાર વર્ગ ખૂબ ઓછો થઈ જશે. ઝાલોદ તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે જો જંત્રીના ભાવ વધશે તો અહીંયા મિલકતોની લે વેચ ઓછી થઈ જશે જેની સીધી અસર નાગરિકોની આર્થિક પરિસ્થિતિ પર થનાર છે. આ જંત્રી વધારાના લીધે ખેડૂતો, નવા ઘર ખરીદનાર ગ્રાહક, રિયલ એસ્ટેટ જેવા વ્યાપાર કરનાર લોકોને ભારે મંદીનો સામનો કરવો પડે તેમ છે. આવી મંદીને લઈ દરેક નાગરિકની આર્થિક પરિસ્થિતિ બગડી શકે તેવું બની શકે છે. ગુજરાત સરકારના જંત્રી વધારાનો વિરોધ કરતા વ્યાપારી મંડળના પ્રતિનિધિઓ દ્વારા 130 ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશ ભૂરીયાને લેખિત રજૂઆત કરી વાંધો રજૂ કરેલ હતો. ધારાસભ્ય મહેશ ભૂરીયાએ વ્યાપારીઓના વાંધાને સાંભળી ગુજરાત સરકારના મુખ્યમંત્રી ને મળી આ અંગે ઘટતું કરાવવા પૂરતા પ્રયાસ કરશે તેવી બાંહેધરી આપી હતી તેમજ નગરની આ સમસ્યાનું સમાધાન સત્વરે લાવવાનો પૂરતો પ્રયત્ન કરશે તેવું કહ્યું હતું. ઝાલોદ તાલુકા માંથી જંત્રી ન વધારવાની માંગ કલેક્ટર તેમજ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી નકલ રવાના કરેલ છે.

