જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં મુસદ્દારૂપ જંત્રી-૨૦૨૪ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ


દાહોદ તારી

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિ હેઠળ મુસદ્દારૂપ જંત્રી – ૨૦૨૪ સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જે સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ માર્ગદર્શન સહિત મહત્વના સૂચનો કર્યા હતા

આ બેઠક દરમ્યાન દાહોદ જિલ્લાના ૯ તાલુકાઓમાં આવેલ કુલ ૬૯૫ ગામો કે જેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તેની તાલુકા વિસ્તારની વિગતો તેમજ દાહોદ જિલ્લાના ૩ નગરપાલિકામાં કુલ ૮૮ વેલ્યુઝોનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેની નગરપાલિકા વિસ્તારની વિગતો પીપીટી રૂપે રજૂ કરવામાં આવી હતી.

ગ્રામ્ય વિસ્તાર જંત્રી – ૨૦૨૪ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર જંત્રીના સર્વે ફોર્મ, વાંધા સૂચન આપવાની ઓફલાઈન અને ઓનલાઇન પદ્ધતિઓ, વાંધાના પ્રકાર અને હંગામી અભિપ્રાય સહિત દાહોદ જિલ્લાના તાલુકા મુજબ જંત્રી સમીક્ષા રજૂ કરવામાં આવી હતી જેમાં ૨૦૧૧ ની જંત્રીની સાપેક્ષે કરેલા સર્વેના ભાવોના સુધારા – વધારા સાથે કરેલ તફાવત અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ તમામ ગામોમાં તલાટી કમ મંત્રી વડે ગ્રામ પંચાયતોમાં જ મુસદ્દા જંત્રી ૨૦૨૪ ની પ્રસિદ્ધિ કરવામાં આવે જેથી ગામના તમામ લોકો તેનાથી અવગત થઈ ગામ કક્ષાએ જ પોતાના વાંધા સૂચનો આપી શકે અને આ માટે ગામમાં જ વાંધા સૂચનો આપવા માટેનું નિયત ફોર્મ પણ ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી હતી.

એ સાથે તમામ વાંધા સૂચનો અન્વયે આગામી સંકલન બેઠકમાં અને ત્યાર બાદ જિલ્લા જંત્રી સુધારણા સમિતિમાં પણ નિર્ણય લેવા યોગ્ય દરખાસ્ત સમય મર્યાદામાં મોકલી આપવા આવશે એ બાબતે પણ તમામ પદાધિકારીશ્રીઓને યોગ્ય માહિતી આપી અને તેઓની કક્ષાએથી પણ જંત્રી મુસદ્દાની સમીક્ષા અન્વયે વધુ લોક ભાગીદારી કેળવાય એ મુજબનું સૂચન કરવામાં આવ્યું હતું.

મુસદ્દારૂપ જંત્રી – ૨૦૨૪ વાંધા સૂચન માટે ઓનલાઇન વેબસાઈટ https://garvi.gujarat.gov. in પર તેમજ સ્થાનિક કક્ષાએ સબ રજીસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીશ્રીની કચેરી નાયબ કલેકટર સ્ટેમ્પ મૂલ્યાંકન તંત્રની કચેરી તથા કલેકટર કચેરી ખાતે ઓફલાઈન પ્રક્રિયા વડે તારીખ ૨૦-૦૧-૨૦૨૫ સુધીમાં નિયત નમૂનામાં વાંધા સૂચન રજૂ કરવાના રહેશે એમ જણાવાયું હતું.

આ બેઠક દરમ્યાન નિવાસી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા, નગરપાલિકા ઉપપ્રમુખ સુશ્રી શ્રધ્ધા ભડંગ, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી ફાલ્ગુન પંચાલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર. કે. રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ સહિત સંબંધિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!