ઓપરેશન માટે પૈસાની જરૂર છે તેમ કહી ગઠીયાએ રૂપિયા પડાવ્યા

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રહેતા શિક્ષિકાને ગઠિયાએ ફોન કરી કહ્યું કે આપણા સંપ્રદાયના ધર્મગુરુના પુત્રને અકસ્માત થયો છે. તેમ કહી શિક્ષિકા પાસેથી મોબાઈલ ધારકે‌ રૂપિયા ૯૯ હજાર ૫૦૦ પડાવી લીધા છે. વોટ્સએપ પર નાણાં જમા થયાનો ખોટો મેસેજ મોકલી રૂપિયા પડાવ્યા. આ બનાવ મામલે ગતરોજ આ મામલે શિક્ષિકાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સંતરામેશ્વર રોડ પર શિવદર્શન સોસાયટીના રહેતા આદિતીબેન પ્રશાંતભાઈ શાહ  તેઓ નડિયાદ તાલુકાના ગુતાલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે.  ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. વાત કરતા સામે વાળી વ્યક્તિએ કહ્યું કે આપણા વૈષ્ણવ સમાજના ધર્મગુરૂ જેઓની ચંપારણ ખાતે ગાદી આવેલી છે. તેમના છોકરાનુ એક્સીડન્ટ થયેલ છે અને હાલમાં તેઓને સુરત હોસ્પીટલમાં દાખલ કરેલ છે. અને તેનુ ઓપરેશન કરવાનુ હોવાથી ઓપરેશન માટે પૈસાની જરૂર છે અને મે પણ એક લાખ રૂપીયા જમા કરાવેલ છે. અને મારા એકાઉન્ટની લીમીટ પૂરી થઇ ગયેલ હોવાથી બીજા પૈસા મારા એકાઉન્ટમાંથી જમા થઇ શકે તેમ નથી તેવુ ક્હ્યુ ત્યારબાદ તેણે આદિતીબેનના વોટ્સએપ પર હોસ્પીટલના ફોટો પણ મોકલેલ હતા અને ડોકટર સાથે વાત પણ કરાવી હતી. જેથી આદિતીબેન શાહને વિશ્વાસ આવી ગયો હતો અને અજાણ્યા નંબર ધારકે વોટ્સએપમાં રૂપિયા એક લાખ નાણાં જમા થયાનો મેસેજ મોકલી ટુકડે ટુકડે આદિતીબેન પાસેથી રૂપિયા ૯૯ હજાર ૫૦૦ પડાવી લીધા હતા. જોકે ત્યારબાદ બેલેન્સ ચેક કરતા નાણાં જમા થયા નહોતા. આમ છેતરપિંડીનો અહેસાસ થતા જે તે સમયે સાયબર હેલ્પલાઇન નંબર પર અને એ બાદ ગતરોજ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે આદીતીબેને અજાણ્યા નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!