નડિયાદના સંતરામ મંદિરે પૂનમના દિવસે ભક્તોએ બોર ઊછળ્યાં

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના સંતરામ મંદિરે પોષ સુદ પૂનમના દિવસે ભાવિક ભક્તો દ્વારા ગુજરાતના ઠેકઠેકાણેથી નડિયાદ સંતરામ મંદિર ખાતે આવી બોરની ઉછામણી કરે છે. પોતાનું બાળક બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો એ માટે અનેક શ્રદ્ધાળુઓ માનતા રાખે છે અને બાળક બોલતું થાય ત્યારે આ પૂનમે બોરની મંદિરના પ્રાંગણમાં ઉછામણી કરે છે. આજે વર્ષોની પરંપરા મુજબ બોરની ઉછામણી કરવા ભાવિકો રાજ્યના ખુણે ખુણેથી આવે છે.
સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતો દ્વારા તપના તેજથી તપેલી ભૂમિ એટલે નડિયાદ સ્થિત આવેલું સંતરામ મંદિર છે. અહીંયા પોષી પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જેનું પણ બાળક જન્મ પછી બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેનાં માતા-પિતા કે સ્વજન, સંતરામ જ્યોતની બાધા રાખે છે. મારું બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજના સમાધિ સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાગણમાં સવા કિલોથી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે (પોતાના બાળકના વજન જેટલા) બોર ઉછાળીશ અને ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે. રાજ્યનાં અનેક શહેરો અને ગામડાં તથા દેશનાં અન્ય રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા નડિયાદ સંતરામ મંદિર ખાતે આવે છે. આ દિવસે શ્રદ્ધા અને ભક્તિનું ઘોડાપૂર જોવા મળે છે. બાળક બિલકુલ બોલતું ના હોય, તોતડું બોલતું હોય તો તે સરસ રીતે સ્પષ્ટ રીતે બોલતું થાય એની બાધા પૂરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે. મંદિરમાં પોષ સુદ પૂનમે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જેને કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. શહેરના મુખ્ય માર્ગો ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. સંતરામ રોડ, પારસ સર્કલ સહિત જૂના બસ મથક પાસે ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. તો મંદિર બહાર જાણે મેળો ભરાયો એમ બોરની રેકડીઓથી લઈને પાથરણાંવાળાએ કબજો કર્યો છે. બહાર ગામથી આવતા ભક્તો માટે મંદિરની આસપાસ ૬ સ્થળોએ વિશેષ પાર્કિંગની સુવિધા ઊભી કરાઈ છે. શ્રધ્ધાળુઓને ક્યાં પણ તકલીફ ન પડે તે માટે સંતરામ નાની શાક માર્કેટ મેદાન, વિઠ્ઠલ કન્યા વિદ્યાલય મેદાન, વી કે વી રોડ, સંતરામ લેબોરેટરી પાછળનું મેદાન, બસ સ્ટેન્ડ પાસેનું મેદાન, સી.જે. ગ્રાઉન્ડ, શિતલ સિનેમા પાસે, ઇપકોવાળા મેદાન હોલ, પારસ સર્કલ નજીક આમ કુલ ૬ સ્થળોએ વાહન પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!