લીમખેડાના માંડલી ગામે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતા ત્રણ વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા
દાહોદ તા.૧૬
ગતરોજ સાંજના સુમારે દાહોદ જિલ્લાના લીમખેડાના માનલી ગામે બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ જણા સ્થળ પરજ કાળનો કોળિયો બન્યાનું તેમજ એક મહિલાને ગંભીર ઇજાઓ થયાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લામાં અકસ્માતો થતા અટકાવવા આરટીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા માર્ગ સલામતી માસની વિવિધ કાર્યક્રમો થકી એક તરફ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ માર્ગ સલામતી માસની ઉજવણીની ઝાઝી અસર ના જાેવા મળતી હોય તેમ ગમખ્વાર અકસ્માતોની વણઝારા થંભવાનુ નામ લેતી નથી અને એક પછી એક ગમખ્વાર અકસ્માતો સર્જાતા જાેવા મળી રહ્યા છે. ઉતરાયણની પૂર્વ સંધ્યાએ ઝાલોદ તાલુકામાં સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતમાં છ જણા કાળનો કોળિયો બન્યાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં તો લીમખેડાના માનલી ગામે ગઈકાલ તારીખ ૧૫-૧-૨૦૨૫ ને બુધવારના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે એક મોટરસાયકલ ચાલક તેના કબજાની જીજે ૨૦ બી.જી -૪૮૬૮ નંબરની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી માનલી ગામના ૨૫ વર્ષીય જીગ્નેશભાઈ વજેસિંગ ભાઈ ડામોરની જીજે ૨૦ બીસી- ૦૯૫૧ નંબરની મોટરસાયકલ સાથે સામેથી ધડાકાભેર અથડાવતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં માનલી ગામના ડામોર ફળિયામાં રહેતા જીગ્નેશભાઈ વજેસિંહભાઈ ડામોર, ૩૪ વર્ષીય જશપાલસિંહ દિનેશભાઈ ડામોર, તથા જીજે ૨૦ બીજી૪૮૬૮ નંબરની મોટરસાયકલુના ચાલક એમ ત્રણેય જણાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તે ત્રણેનું સ્થળ પરજ અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું તેમજ કાસમબેન ઈશ્વરભાઈ ચૌહાણ નામની મહિલાને શરીરે નાની મોટી ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ માનલી ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઘટનાની જાણ લીમખેડા પોલીસને કરતા લીમખેડા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ઇજાગ્રસ્ત કાસમબેન ચૌહાણને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ૧૦૮ મારફતે મોકલી આપી હતી. તેમજ ત્રણેય મૃતકોની લાશનું પંચો રુબરુ પંચનામું કરી ત્રણેની લાશને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા સરકારી દવાખાને મોકલી આપી માનલી ગામના ડામોર ફળિયામાં રહેતા યોગેશભાઈ વજેસિંગભાઈ ડામોરે નોંધાવેલી ફરિયાદને આધારે લીમખેડા પોલીસે આ સંદર્ભે જીજે ૨૦ બીજી-૪૮૬૮ નંબરની મોટરસાયકલના ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

