દાહોદના કાળીતળાઈ ગામેથી દાહોદ એલસીબી પોલીસે એકજ દિવસમાં રૂપિયા ૪૧,૩૮,૫૮૪ના પ્રોહી જથ્થા સાથે બે ઇસમોની અટકાયત કરવામાં આવી
દાહોદ તા.૧૮
દાહોદ એલસીબી પોલીસે એકજ દિવસમાં દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામેથી એક આઈસર ટેમ્પો અને એક લેલન્ડ ટેમ્પામાંથી વિદેશી દારૂનો કુલ રૂા.૪૧,૩૮,૫૮૪ના પ્રોહી જથ્થા સાથે બંન્ને વાહનોની કિંમત મળી પોલીસે કુલ રૂા.૬૮,૦૫,૭૨૬ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદના કાળીતળાઈ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક આઈસર ટેમ્પા ગાડી ત્યાંથી પસાર થઈ હતી. પોલીસે આઈસર ટેમ્પા ગાડીને ચારેય તરફથી ઘેરી લઈ આઈસર ટેમ્પા ગાડીના ચાલક બબલુ ઉર્ફે બબલો ઉર્ફે બાબુસીંગ હીરજીભાઈ ચંગોડ (રહે.મધ્યપ્રદેશ)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે આઈસર ટેમ્પા ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ.૧૪૨ જેમાં બોટલો નંગ.૩૫૭૬ કિંમત રૂા.૫,૮૬,૦૮૦ના પ્રોહી જથ્થા સાથે પોલીસે આઈસર ટેમ્પા ગાડીની કિંમત મળી કુલ રૂા.૧૫,૯૧,૦૮૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ગાડીના ચાલકની અટકાયત કરી હતી. ત્યારે તેજ દિવસે બીજા બનાવમાં દાહોદના કાળીતળાઈ ગામેથી બાતમીમાં દર્શાવેલ અન્ય એક અશોક લેલન્ડ ગાડી પણ પસાર થતાં પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક પ્રતાપ વીરમારામ ભીખારામ જાખડ (જાટ) (રહે.રાજસ્થાન)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે અશોક લેલન્ડ ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ.૫૮૬ જેમાં બોટલો નંગ.૧૦૨૫૪ કિંમત રૂા.૩૫,૫૨,૫૦૪ના પ્રોહી જથ્થા સાથે પોલીસે અશોક લેલન્ડ ગાડી મળી કુલ રૂા.૫૨,૧૪,૬૪૬નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ચાલકની અટકાયત કરી દાહોદ એલસીબી પોલીસે ઉપરોક્ત બંન્ને બનાવ સંદર્ભે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

