ઝાલોદ ની ચાકલિયા પોલીસે એક ફોરવીલર ગાડીમાંથી અફીણ જીંડવાનો રૂપિયા 18 લાખ ઉપરાંતનો જથ્થો ઝડપી પાડ્યો
દાહોદ તા.૨૨
પેટ્રોલિંગમાં નીકળેલ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની ચાકલીયા પોલીસને છાયણ ગામે નવીન બની રહેલ દિલ્હી મુંબઈ હાઈવે પરથી બિન વારસી મળી આવેલી નંબર વગરની ફોર વ્હીલર ગાડીમાંથી રૂપિયા ૯.૬૦ લાખ લાખ ઉપરાંતની કિંમતના પ્રતિબંધિત એવા અફીણના જીંડવા મળી આવતા રૂપિયા નવ લાખની કિંમતની ઇનોવા ક્રેષ્ટા ફોરવીલ ગાડી મળી કુલ રૂપિયા ૧૮,૬૦,૨૭૦/-નો મુદ્દામાલ કબજે લીધાનું સત્તાવાર જાણવા મળ્યું છે.
દાહોદ પોલીસે ગત તારીખ ૨૦ મીના રોજ જુદી જુદી બે જગ્યાએથી કુલ મળી રૂપિયા અડધા કરોડ ઉપરની કિંમતના પ્રતિબંધિત એવા અફીણના જીંડવા પકડી પાડી એક ટ્રક અને એક ડસ્ટર ગાડી સાથે બે જણાની અટકાયત કર્યાના અહેવાલો વચ્ચે આજે સતત બીજે દિવસે જિલ્લામાં એક જગ્યાએથી પ્રતિબંધિત એવા અફીણના જીંડવાના જથ્થા સાથે એક ફોરવીલ ગાડી પકડ્યાનું જાણવા મળ્યું છે. જેમાં દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી એન કોટવાલ પોતાના સ્ટાફના માણસોને લઈ ગતરોજ રાતે પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન છાયણ ગામે નવા બની રહેલા દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવે રોડ પર રોડની સાઈડમાં ઊભેલ નંબર વગરની ટોયોટા કંપનીની સફેદ કલરની ઇનોવા ક્રેષ્ટા ફોરવીલ ગાડી પર પીએસઆઇ કોટવાલની નજર પડતા ગાડી નંબર વગરની હોવાથી તેઓને ગાડી શંકા પર લાગતા તેઓએ ગાડીની તલાસી લેતાં ગાડીમાં મુકેલ પ્રતિબંધિત એવા અફીણના જીંડવા ભરેલ થેલાઓ તેમજ પોટલું નજરે પડતા પોલીસ ચોંકી ઉઠી હતી અને પોલીસે ગાડીમાંથી રૂપિયા ૯,૬૦,૨૭૦/-ની કુલ કિંમતના ૩૨૦કિલોગ્રામ કુલ વજનના પ્રતિબંધિત એવા અફીણના જીંડવા ભરેલ કાળા તથ સફેદ કલરના થેલાઓ નંગ-૧૭ તથા પીળા કલરના કપડાનું પોટલું નંગ-૧ પકડી પાડી સદર અફીણના જીંડવાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા નવ લાખ ની કિંમતની ર્ંઅર્ંટ્ઠ કંપનીની સફેદ કલરની નંબર વગરની ઇનોવા ક્રેસ્ટા ફોરવીલ ગાડી મળી કુલ રૂપિયા ૧૮,૬૦,૨૭૦/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ સદર ઇનોવા ક્રેસ્ટા ગાડીના ચાલક વિરુદ્ધ ચાકલિયા પોલીસે પોતાના જ પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એન કોટવાલ દ્વારા નોંધાવાયેલી ફરિયાદને આધારે પોલીસે નાર્કોટિક્સ નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
માત્ર ૪૮ કલાકમાં જ ૬૪ લાખથી વધુની કિંમતના અફીણના જીંડવા પકડ્યા
દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાથી કેફી પીણા તથા કેફી પદાર્થોને પડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડી તગડો નફો રળી લેવા માટે મોટાભાગના આવા સામાજિક તત્વો વર્ષોથી દાહોદ જિલ્લાની સરહદી ચોકીઓનો ઉપયોગ કરતા આવ્યા છે. ત્યારે અત્યાર સુધી જિલ્લાની સરહદી ચોકીઓનો બોડી બામણના ખેતરની જેમ ઉપયોગ કરી રહેલા આવા અસામાજિક તત્વોની આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે દાહોદ જિલ્લા પોલીસવડાના નેતૃત્વમાં તૈયાર થયેલ દાહોદ પોલીસે લાલ આંખ કરી વીતેલા માત્ર ૪૮ કલાકમાં જ ૬૪ લાખ ઉપરાંતની કિંમતના પ્રતિબંધિત એવા ફીણના જીંડવા ભરેલ ત્રણ ગાડીઓ પકડી પાડી આવા અસામાજિક તત્વોની કમર તોડી નાખી છે. જે કામગીરી ખરેખર સરાહનીય છે.

