દાહોદની રિધમ સોસાયટીમાં 4 મકાનોમાં ચોરી : લાખોની ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૨૮
દાહોદ શહેર સહિત જીલ્લામાં તસ્કરોએ પુનઃ પોતાના કારનામા બતાવવાનું શરૂ કર્યું છે. પાછલા દિવસો દરમ્યાન જીલ્લામાં વિવિધ સ્થળોએ તસ્કરોએ પોતાનો કસબ અજમાવી લોકોને લાખ્ખોનો ચુનો ચોપડ્યો છે તો દાહોદ શહેરના પ્રવેશ દ્વારે આવેલી રીધમ સોસાયટીમાં રાત્રી દરમ્યાન ત્રણ મકાનના તાળા તોડી ૪ થી ૫ લાખના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયાની ઘટના બની છે. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથધરી છે.
દાહોદ શહેરમાં ઈંદોર તરફના પ્રવેશ દ્વારે રીધમ સોસાયટીમાં ગતરાત્રી દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રીદરમ્યાન ત્રણ મકાનોના તાળા તોડી અંદાજે ૪ થી ૫ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. સોસાયટીમાં રહેતા અનીલ જાદવ, ડો. સિંઘલ અને એક બંધ મકાનને તસ્કરોએ નીશાન બનાવ્યું હતું. સવારના મકાનના માલિકોને જાણ થતાં ડિવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે તમામ મકાનોની તપાસ હાથ ધરી હતી. વિસ્તારમાં લાગેલ સીસીટીવી કેમેરામાં પણ પોલીસ તપાસ હાથ ધરતાં જેમાં ત્રણ જેટલા તસ્કરો મોઢે રૂમાલ બાંધી મોટરસાઈકલ પર જતાં પણ નજરે પડ્યાં હતાં. સતત ચોવીસે કલાક ધમધમતા અને ભરચક રહેણાંક વિસ્તારમાં તસ્કરોએ એક સાથે ચાર મકાનોને નિશાન બનાવતાં વિસ્તારમાં તેમજ દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. જાણવા મળ્યાં અનુસાર, તસ્કરોએ આ ત્રણે મકાનોમાંથી અંદાજે ૪ થી ૫ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે ત્યારે જીલ્લા પોલીસે આ થતી ચોરીઓને નાથવાના આયોજનો કરવા જરૂરી છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

