નડિયાદ ખાતે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાલય બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું

નરેશ ગનવાણી નડિયાદ

ખેડાની જિલ્લા અને સત્ર કોર્ટની અત્યાધુનિક સુવિધાથી સજ્જ નવનિર્મિત ‘ ન્યાય મંદિર ‘ ઇમારતનું ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ  સુનિતા અગ્રવાલ અને હાઈકોર્ટનાં ન્યાયાધીશ એમ.કે. ઠક્કરના વરદહસ્તે ડિસ્ટ્રીક્ટ કોર્ટ કેમ્પસ, કપડવંજ રોડ, નડિયાદ ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રાસંગિક ઉદ્બોધન કરતા હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધિશ સુનિતા અગ્રવાલે આ ઇમારતને સરદાર પટેલને સમર્પિત કરતા જણાવ્યું કે, દેશના લોહપુરુષ અને વ્યવસાયિક રીતે વકીલ એવા સરદાર પટેલની કર્મભૂમિ એવા નડિયાદની ભૂમિ પર જિલ્લા અને સત્ર કોર્ટની ઇમારતનું લોકાર્પણ કરવું ખૂબ જ સૌભાગ્યનો અવસર છે. આ સાથે તેમણે આ ઇમારતના લોકાર્પણને ગુજરાત ન્યાયતંત્રની સીમાચિન્હ ઘટના ઘણાવી હતી. તદુપરાંત જિલ્લાના વકીલોને અભિનંદન પાઠવતા મુખ્ય ન્યાયમૂર્તિ એ જણાવ્યું  કે, રાજ્યની ન્યાયપાલિકાઓમાં વકીલગણ માટે સુવિધાયુક્ત આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવી એ હંમેશા મારું સ્વપ્ન રહ્યું છે જેને આજે નજરો સમક્ષ સાકાર થઈ રહ્યું છે. ખેડા જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ  એન.એ.અંજારીઆ એ નવનિર્મિત જિલ્લાની કોર્ટ સુવિધાઓ વિશે જણાવતા કહ્યું કે, જિલ્લા ન્યાયપાલિકાની આ ભવ્ય ઇમારત સેન્ટ્રલ એ.સી., બારરૂમ, હોસ્પિટલ, ઘોડિયાઘર, એ.ટી.એમ. સહિત અનેક સુવિધાઓથી સજ્જ છે. આ નવીનતમ બિલ્ડિંગમાં ઝડપી અને અસરકારક ન્યાય માટે દેશના કોઈપણ ખૂણે જુબાની આપી શકાય તેવા વિડિયો રૂમની પણ સુવિધા છે. આ ઉપરાંત વનરેબલ વિટનેસ ડિપોઝીશન સેન્ટર દ્વારા બાળકોની પણ જુબાની લઇ શકાય તેવી સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ સાથે  એન.એ.અંજારીઆ એ ઉપસ્થિત સર્વને નવીનતમ જિલ્લા કોર્ટની ઇમારતનું જતન કરવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. આ  પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, નડિયાદ મહાનગરપાલિકા કમિશ્નર જી.એચ.સોલંકી, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, હાઈકોર્ટનાં ન્યાયાધીશ શ્રીમતી એમ.કે.ઠક્કર, ખેડા જિલ્લાની તમામ કોર્ટના જજઓ, સરકારી વકીલો, વકીલો, બાર એસોસિએશન અધ્યક્ષ એ .વી. ગૌતમ, હોદ્દેદારો, જિલ્લા ન્યાયતંત્રના અધિકારી તેમજ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!