દાહોદમાં પ્રથમ પત્નિ હયાત હોવા છતાંય બીજી પત્નીને લાવી પ્રથમ પત્નીને ત્રણ તલ્લાક આપતા લઘુમતી કોમની પરણીતાએ ન્યાયની ગુહાર સાથે મહિલા પોલીસ મથકના શરણે
દાહોદ તા.૦૭
દાહોદના મુસ્લિમ સમાજના યુવકે પોતે પરણિત હોવા છતાં અને પત્ની હયાત હોવા છતાં પ્રથમ પત્નીની મંજૂરી લીધા વિના પોતાના સમાજની અન્ય યુવતી સાથે લગ્ન કરી લઈ પ્રથમ પત્નીને તે યુવક તથા બીજી પત્નીએ ભેગા મળી તું અમોને ગમતી નથી અને તને છૂટી કરી દેવાની છે કહી શારીરિક અને માનસિક ત્રાસ આપી એક ચીઠ્ઠીમાં લખી ત્રણ તલ્લાક આપતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા પટેલીયા વાડ ખાતે રહેતી અને મજૂરી કામ કરતી ૪૩ વર્ષીય મુમતાજબેને તેમના મુસ્લિમ ધર્મના રીતરિવાજ મુજબ તેમના ફળિયામાં રહેતા ફિરોજ સહી હાસા સાથે લગ્ન કર્યા હતા. અને બંને પતિ પત્ની એકજ ઘરમાં ભેગા રહેતા હતા. અને ત્રણેક વર્ષ પહેલા મુમતાજબેનના પતિ ફિરોજ હાસાએ મુમતાજબેનની મંજૂરી વિના મુમતાજબેનની હયાતીમાં તેમના સમાજની સાહિસ્તા સત્તાર પટેલ નામની યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હતા અને પોતાના ઘરમાં લઈ આવ્યો હતો. ત્યારબાદ તે બંને જણાએ ભેગા મળી મુમતાજબેનને માનસિક અને શારીરિક ત્રાસ આપી તું અમોને ગમતી નથી અને તને છૂટી કરી દેવાની છે. તેમ કહી મુમતાજ બેનના પતિ ફિરોજ હાસાએ મુમતાજબેનને એક ચિઠ્ઠીમાં લખી ત્રણ તલ્લાક આપી દીધા હતા. આ સંબંધે મુમતાજબેને પોતાના પતિ ફિરોજ સહી હાસા તથા બીજી પત્ની સાહિસ્તા સત્તાર પટેલ વિરુદ્ધ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે બીએનએસ કલમ ૮૫,૫૪ તથા મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૩,૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

