મહુધાના શીતલપુરા પાસે બે મોપેડ ભટકાતાં આધેડનું મોત, બે ઇજાગ્રસ્ત
નરેશ ગનવાણી નડિયાદ

મહુધાના શીતલપૂરા સીમ વિસ્તારમાં વળાંકમાં બે મોપેડ ભટકાતા મોપેડ પર સવાર યુવક અને આધેડ મોપેડ સાથે ગટરમાં પડતા આધેડને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે અકસ્માત સર્જનાર ચાલક પણ રોડ પર પટકાતા શરીરે ઈજા પહોંચી હતી. ઘવાયેલા આધેડને હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મહુધા પોલીસે ફરિયાદ નોંધી છે. નડિયાદ તાલુકાના સોડપૂરમાં રહેતા સુરેશભાઇ ગુરૂવાર યુવક મોપેડ પર મૂલેસર ગામ તરફ આવતા હતા. તે સમયે રસ્તામાં ખલાડી ગામમાં આશાભાઇએ હાથ ઉંચો કરી યુવકને ઉભા રાખ્યા હતા. જે બાદ કહ્યું હતું કે ભાઈ મારાથી ચલાતું નથી તુ તારા મોપેડ પર મને બેસાડી જા, જેથી યુવકે પૂછ્યું હતું કે ક્યાં જવાનું છે જેથી આશાભાઇએ ખલાડી જવાનું કહ્યું હતું. જેથી યુવકે આશાભાઇને મોપેડ પર બેસાડી ખલાડી ગામ તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન ખલાડી ગામના શિતલપૂરા સીમ વિસ્તાર રોડ ઉપરના વળાંકમાં પાછળ આવતા એક મોપેડ ચાલકે યુવકના મોપેડને અડફેટ મારી અકસ્માત સર્જાયો હતો. જેથી યુવક અને પાછળ બેઠેલા આશાભાઇ મોપેડ સાથે સાઇડમાં આવેલા ગટરમાં પડ્યા હતા. ત્યારે અકસ્માત સર્જનાર મોપેડ ચાલક પર સામેના રોડ પર પટકાયો હતો. આ બનાવમાં આશાભાઇને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે આશાભાઇ ફુલાભાઇને મૃત જાહેર કર્યા હતા. આ અંગે સુરેશ વિનોદભાઇએ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


qbeypf