નડિયાદમાં મેળા બાદ ૨૩ મેટ્રિક ટન કચરો હટાવાયો, ૩૬ હજારનો દંડ કર્યો
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં મેળા બાદ મહાનગરપાલિકાએ સંતરામ રોડને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકતા સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.
મહાનગરપાલિકાએ સંતરામ મંદિરની આસપાસનો વિસ્તાર, બસ સ્ટેશન સુધીનો વિસ્તાર, પારસ સર્કલની આજુબાજુ અને ઈપ્કોવાલા હોલ સહિતના વિસ્તારોમાંથી કચરો હટાવવા માટે ટ્રેક્ટર, લોડર, ડમ્પર અને JCB મશીન જેવા સાધનોનો સાથે સફાઈ કર્મચારીઓની મદદથી કુલ ૨૩ મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. સફાઈ અભિયાન દરમિયાન ગંદકી ફેલાવનારા વેપારીઓ અને ફેરિયાઓને રૂપિયા 36 હજારનો વહીવટી દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રોડ પર હજુ પણ કબજો જમાવીને બેઠેલા સ્ટોલ ધારકોને તેમના સ્ટોલ તાત્કાલિક હટાવી લેવા માટે સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને દબાણ શાખાની ટીમે સંયુક્ત કામગીરી કરીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરાવ્યો છે.

