દાહોદના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને કિસાન સન્માહ સમારોહ યોજાયો

દાહોદ તા.૨૫
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને કૃષિ વિભાગ, બિહાર સરકાર દ્વારા સંયુક્ત રીતે ભાગલપુર, બિહાર ખાતે વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં PM કિસાન સમ્માન નિધિ’ યોજનાનો હવે ૧૯ મો હપ્તો રીલીઝ કરવા માટે “રાષ્ટ્રીય કક્ષાના કિસાન સન્માન સમારોહ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું જીવંત પ્રસારણ દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું. જે નિમિતે દાહોદના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સંસદશ્રી જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા હેઠળ કિસાન સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ નિમિતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા,સહિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દવે, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વિજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમ્યાન દાહોદ જિલ્લાના વિવિધ યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓ અને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. જેમાં રાજય કક્ષાએથી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કૃષિ ભવન, ગાંધીનગર કચેરી ખાતેથી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ‘કૃષિ પ્રગતિ-Command and Control Centre નું ઇ- લોકાર્પણ તથા ટેકાના ભાવે તુવેર ખરીદી માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ દરમ્યાન ડોક્યુમેન્ટરી દ્વારા કૃષિને લગતી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે ખેડૂતોના ખાતામાં સીધા સહાય જમા કરવામાં આવ્યા હતા. અન્નદાતાને એનો ઉચિત ભાવ આપવા માટે સરકાર ખેડૂત પાસેથી સીધી ખરીદી કરે છે, ખેડૂતોના આર્થિક વિકાસ હેતુ સરકાર નિરંતર પ્રયાસરત છે.
સંસદશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, દેશને આર્થિક રીતે મજબૂત કરવા દેશના ખેડૂતોનું આર્થિક રીતે મજબૂત હોવું જરૂરી છે, જેના માટે આપણી સરકાર વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને સહાય કરી રહી છે. એ સાથે પશુ રોગોની અટકાવવા માટે, ગુણવતાયુક્ત બીજ તેમજ અન્ય કૃષિ સહાય થકી ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. આર્થિક હોય કે સાધનિક સરકાર ખેડૂતની પડખે છે. જેથી કરીને દેશને સમૃદ્ધ કરવા માટે સમૃદ્વ કિસાનનો સંકલ્પ સફળ થશે.
વધુમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિહારના ભાગલપુરથી જીવંત પ્રસારણ થકી ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને તેમજ તેઓની આત્મ નિર્ભરતા માટે મિશન મોડ પર કામ કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં ૨ લાખ ૬૦ હજાર ૮૦૦ જેટલા લાભાર્થીઓને સહાય પેટે સહાય અંદાજીત રુ. ૫૨. ૧૬ કરોડની સહાય આપવામાં આવશે. કાર્યક્રમના અંતે પ્રગતિશીલ ખેડૂતોનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લાભ વિતરણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

