પ્રધાનમંત્રી આવાસ યોજના, ખેડામાં ૪૭૮ ગ્રામ પંચાયતોમાં સર્વે શરૂ
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના બીજા તબક્કા અંતર્ગત વ્યાપક સર્વે કામગીરી ચાલી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિતકુમાર એ. પટેલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ રહી છે.
યોજના હેઠળ લાભાર્થીઓને કુલ રૂ. ૧.૨૦ લાખની સહાય આપવામાં આવે છે. તેમાં રૂ. 30 હજાર એડવાન્સ તરીકે અપાય છે. પ્લિન્થ લેવલે રૂ. ૮૦ હજાર અને કામ પૂર્ણ થયે રૂ. ૧૦ હજાર ચૂકવવામાં આવે છે. લાભાર્થીઓને મનરેગા હેઠળ ૯૦ દિવસની મજૂરી પણ મળે છે. વધારાના લાભોમાં શૌચાલય માટે રૂ. ૧૨ હજાર, ૬ માસમાં આવાસ પૂર્ણ કરનારને મુખ્યમંત્રી પ્રોત્સાહક ગ્રાન્ટ રૂ. ૨૦ હજાર અને બાથરૂમ બાંધકામ માટે રૂ. ૫ હજાર ની સહાય આપવામાં આવે છે. તાલુકા કક્ષાએથી નિયુક્ત સર્વેયરો મોબાઇલ એપ્લિકેશન દ્વારા લાભાર્થીઓની નોંધણી કરી રહ્યા છે. તેમાં આધારકાર્ડ, બેંક પાસબુક, રેશનકાર્ડ અને જોબકાર્ડની વિગતો એકત્રિત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં વિવિધ તાલુકાઓમાં કુલ ૨૬,૪૮૧ લાભાર્થીઓનો સર્વે પૂર્ણ થયો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે જેથી કોઈ પણ પાત્ર લાભાર્થી યોજનાથી વંચિત ન રહે. આ સર્વે થકી અગાઉ આવાસથી વંચિત રહેલા લોકોને પાકું ઘર મેળવવાની નવી તક મળશે.

