ખેડા તારાપુર રોડ પર બાઇક ચાલકે ટક્કર મારતાં એકનું મોત
નરેશ ગનવાણી નડિયાદ

ખેડાના ત્રાજ ગામના વૃદ્ધનું બાઈકની અડફેટે મોત થયું છે. ત્રાજ ગામના સૂર્યકાંતભાઈ રમણભાઈ પટેલ દરરોજની જેમ શ્વાનને રોટલી ખવડાવવા માટે ખેતર પાસે ગયા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા સ્પોર્ટ્સ બાઈક ચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ બાઈક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા સૂર્યકાંતભાઈને તાત્કાલિક ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સૂર્યકાંતભાઈ શ્વાન પ્રેમી હતા અને રોજ નિયમિત રીતે શ્વાનોને ખવડાવવા જતા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા બાઈક ચાલકની શોધખોળ શરૂ કરી છે.
