દાહોદ ખાતે સમાન સિવિલ કોડના (UCC) અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો મેળવવા સમિતિના સભ્યોએ યોજી બેઠક : સમાન સિવિલ કોડ અંગે સમિતિ સમક્ષ જિલ્લાના અગ્રણીઓ, જન પ્રતિનિધિઓ, વિવિધ ધર્મના આગેવાનોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા

દાહોદ તા.૧૮

સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ લોકોના પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યાં છે, જેના ભાગરૂપે આજે કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઈ હતી. સમાન સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે UCC સમિતિ દ્વારા નાગરિકો, અગ્રણીઓ, જન પ્રતિનિધિઓ, વિવિધ ધર્મના અગ્રણીઓના પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં UCC કાયદાના અમલ માટે રાજ્ય સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે.
દાહોદ ખાતે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોશ્રી દક્ષેશ ઠાકર અને સુ શ્રી ગીતાબેન શ્રોફની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વિવિધ ધર્મના અગ્રણીઓ અને નાગરિકો સાથે બેઠક યોજી હતી.
સમિતિના સભ્યશ્રી ગીતાબેન શ્રોફે જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી છે. સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને UCC નો મુસદ્દો તૈયાર કરવામાં આવશે. નાગરિકો પાસેથી મળેલા અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ UCC અંગેનો વિસ્તૃત અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરશે.
આ ઉપરાંત સમાન નાગરિક સંહિતા એ કોઇ ધર્મ કે સમાજના રીતરિવાજો બદલવા માટે નથી. રાજ્યમાં લગ્ન નોંધણી, છૂટાછેટા, ભરણપોષણ, લીવ ઇન રિલેશનશીપમાં તમામ માટે એકસરખા કાયદો રહે એ માટે નાગરિકો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે. તેમ શ્રી શ્રોફે વધુમાં જણાવ્યુ હતુ.
શ્રી દક્ષેશ ઠાકરે કહ્યું હતું કે, રાજ્યનો કોઈપણ નાગરિક યુસીસી કાયદા માટે યુસીસી કમિટી, કર્મયોગી ભવન, બ્લોક નંબર – ૧,છઠ્ઠા માળ, સેક્ટર ૧૦- એ, ગાંધીનગર ખાતે પત્ર દ્વારા પોતાના વિચારો મંતવ્યો રજૂ કરી શકાશે. આ ઉપરાંત યુસીસી કાયદાના પોર્ટલ http://uccgujarat.in ઉપર પણ પોતાના સૂચન રજૂ કરી શકશે. જિલ્લાના વધુમાં વધુ નાગરિકો આ કાયદા સંબંધે પોતાના મંતવ્ય રજૂ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
જિલ્લાના વિવિધ ધર્મના અગ્રણીઓ, તબીબો, વકીલો, સામાજિક કાર્યકરો, સામાજિક સંસ્થઓના પ્રતિનિધિઓ દ્વારા લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપ માં મહિલાઓના અધિકારો, નાણાંકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ સહિત અધિકારીઓ, સામાજિક સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!