દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિશ્વ ચકલી દિનના ઉપલક્ષમાં ચકલીના માળા, તાસક અને બર્ડફીડરનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું
દાહોદ તા.૧૮
દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિશ્વ ચકલી દિનના ઉપલક્ષ્યમાં લોકોને ચકલીના માળા, તાસક અને બર્ડફીડરનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે હાલ જ્યારે ઉનાળાના સમયમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે પોત પોતાના ઘરોના છતની ઉપર પાણીની વ્યવસ્થા પણ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી.
‘‘ચકીબેન ચકીબેન… મારી સાથે રમવા આવશો કે નહીં?‘‘ – આ જાણીતું બાળગીત આજની મોબાઈલના કીપેડ ઉપર સતત લાગેલી પેઢીએ કદાચ નહીં સાંભળ્યું હોય.! પરંતુ, ચકલીઓની ઘટતી સંખ્યા સંદર્ભે હજુપણ પ્રકૃતિપ્રેમીઓ દ્વારા દેશવિદેશમાં નિષ્ઠાપૂર્વક કામગીરી થાય છે. આગામી ૨૦ માર્ચે ‘‘વિશ્વ ચકલી દિવસ‘‘ છે તેના ઉપલક્ષમાં દાહોદ ખાતે પ્રકૃતિના જતન-સંવર્ધન કાજે ચાર દાયકાથી સતત સક્રિય સંસ્થા પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ દ્વારા રવિવારે તા.૧૬ માર્ચે આ વિશેષ દિવસ નિમિત્તે બર્ડ ફીડર, લાકડાં- માટીના માળા કે પાણીની તાસક વગેરેનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદના ‘અજય દેસાઈ પ્રકૃતિ ભવન‘ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શહેરભરના પ્રકૃતિપ્રેમીઓ ચકલીઓને કાજે માળા, તાસક અને બર્ડફીડર લેવા મોટી સંખ્યામાં ઉમટ્યાં હતાં. તો પ્રકૃતિ મિત્ર મંડળના અનેક સંનિષ્ઠ સેવકો પણ આ વિતરણ વ્યવસ્થામાં સહભાગી બન્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગણતરીના કલાકોમાં જ દાહોદના પ્રકૃતિપ્રેમીઓ દ્વારા ૨૧૪ માટીના માળા, ૧૦૦ લાકડાના માળા, ૨૨૪ પાણી માટે માટીની તાસક અને ૧૯૯ બર્ડફીડરનો નોંધપાત્ર ઉપાડ થયો હતો.