કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ જમીન દબાણ તેમજ ટુરિઝમ ડેવલપમેન્ટ અંતર્ગત મિટિંગ યોજાઈ
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ તેમજ પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મિણા અને નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલની ઉપસ્થિતિ હેઠળ જમીન દબાણને ધ્યાને રાખીને તેમજ દાહોદ ટુરિઝમ ડેવલપમેન્ટ અંતર્ગત મિટિંગ યોજવામાં આવી હતી.
આ મિટિંગ દરમ્યાન કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સંબંધિત તમામ અધિકારીશ્રીઓને કાયદાની મર્યાદામાં રહીને કામગીરી કરવા સહિત બિનજરૂરી દબાણો હટાવવાની કામગીરી કરવા જણાવાયું હતું. આ સંબંધે કલેકટરશ્રી યોગેશ નિરગુડે એ કહ્યું હતું કે, પ્રશ્ન વાળા મેટરની માપણી કરાવીને આગળની કાર્યવાહી કરવી, તાલુકા વાઈઝ આવેલ દાવાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવી. આ નિમિત્તે કલેકટરશ્રીએ અધિકારીશ્રીઓને સાયન્ટીફીક ડેટા સાથે સાચા દાવાઓ મંજુર થાય તે રીતે કામગીરી કરવા માર્ગદર્શન સાથે સૂચના આપી હતી.
આ સાથે કલેકટરશ્રીએ દાહોદ જિલ્લામાં ટુરિઝમ ડેવલપમેન્ટ માટેની વાત કરતાં કહ્યું હતું કે, દાહોદ જિલ્લામાં ઘણાં એવાં સ્થળો છે જેને ટુરિઝમ ક્ષેત્ર માટે ઉપયોગમાં લઈ શકાય છે, જેથી કરીને દાહોદની ઓળખ સાથે સ્થાનિકોને પણ નાની-મોટી રોજગારી મળી શકે. રામપુરા, રતન મહાલ, સાગટાળા સહિત દાહોદ જિલ્લામાં આવેલ ડેમો, ધાર્મિક સાઈટ્સ તેમજ ટ્રાયબલ મ્યુઝિયમનો પણ યોગ્ય વિકાસ કરીને એને ટુરિઝમ ક્ષેત્રે આગળ લાવી શકાય છે.
આ મિટિંગ અન્વયે પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

