ઝાલોદના નાની મહુડી ગામના વ્યક્તિને એકના ડબલ કરવાની લાલચ આપી રૂા.૫૦ હજારની ઠગાઈ કરનાર ત્રણ આરોપીઓને દાહોદ એસઓજી પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાં

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામેથી એકના ડબલ કરવાની સ્કિમની લાલચ આપી એક વ્યક્તિ પાસેથી રૂા.૫૦ હજારની ઠગાઈ કરી બાદમાં તેને ડુબ્લીકેટ ચિલ્ડ્રન બેન્કના નામની રૂા.૫૦૦ના દરની નોટો પધરાવી દઈ ત્રણેય આરોપીઓ નાસી ગયેલ ત્રણ આરોપીઓને દાહોદ એસઓજી પોલીસે ઝડપી પાડી ઝડપાયેલ આરોપીઓ પાસેથી પોલીસે રૂા.૩,૬૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.

ગત તા.૨૫.૦૩.૨૦૨૫ના રોજ ઝાલોદના નાની મહુડી ગામે રહેતાં પપ્પુભાઈ માનસિંગભાઈ મુનિયાને ઝાલોદના ટીમ્બી ત્રણ રસ્તા ખાતે એક ફોર વ્હીલર ગાડીમાં ત્રણ ઈસમો સવાર થઈ પપ્પુભાઈ પાસે આવ્યાં હતાં અને એકના ડબલ કરવાની લાલચ આપી તેની પાસેથી રૂા.૫૦ હજાર રૂપીયાનું એક બંડલ લઈ તેની સામે તેને રૂા.૫૦૦ની દરની ડુબ્લીકેટ ચલણી નોટોના બે બંડલ આપી જે બંડલના ઉપર અને નીચે બે-બે ઓરીજનલ નોટો મુકી વચ્ચેના ભાગે ચિલ્ડ્ર્ન બેંન્કની નોટો રાખી બે બંડલ આપ્યાં હતાં. જે ૫૦૦ના દરના બે બંડલ પપ્પુભાઈએ ચેક કરતાં તેમાં ચિલ્ડ્રન બેંન્કની આપી હોવાનું જાણવા મળતાં આ સંબંધે પપ્પુભાઈ માનસિંગભાઈ મુનિયાએ પોલીસને જાણ કરી હતી. આ અંગેની જાણ દાહોદ જિલ્લા પોલીસ વડા ર્ડા. રાજદિપસિંહ ઝાલાને કરવામાં આવતાં તેઓ દ્વારા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપતાં દાહોદ એસઓજી પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જે.રાણા તથા તેમની ટીમે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે હતો ત્યારે પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે આજરોજ ઝાલોદના ચાકલીયાથી દાહોદ તરફ જતાં રસ્તા પરથી આરોપીઓ નાસી ગયાં હોવાની પોલીસને માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઝાલોદના ચાકલીયા રોડ ઉપર બુરવાળા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી ઉભા હતાં જે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર સીબાનભાઈ દાઉદ્દભાઈ સમા (રહે. ભુજ), વિક્રમસિંહ નાનુજી વાઘેલા (રહે. બનાસકાંઠા) અને સમીરભાઈ અબ્દ્રેમાન થૈમ (રહે. ભુજ) નાઓની અટકાયત કરી તેઓને પોલીસ મથકે લાવી તેઓની સઘન પુછપરછ કરતાં પોલીસની પુછપરછમાં તેઓ ભાંગી પડ્યાં હતાં અને તેઓએ કબુલાત કરી હતી કે, પપ્ભાઈ માનસિંગભાઈ મુનિયા સાથે ઉપરોક્ત બનાવ બાબતની ઠગાઈ કરી હતી. પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ ત્રણેય ઈસમો પાસેથી ભારતીય ચલણની રૂપીયા ૫૦૦ના દરની ૧૦૦ નોટો કિંમત રૂા.૫૦ હજાર, ભારતીય બચ્ચોકા બેંન્ક (ચિલ્ડ્રન બેંન્ક) ના રૂા.૫૦૦ના દરની નોટો નંગ.૪૦૦, ફોર વ્હીલર ગાડી તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂા.૩,૬૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઠગાઈના બનાવનો ગણતરીના કલાકોમાં પર્દાફાર્શ કરી ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!