ગરબાડાના વિજાગઢ ગામે પીકઅપ ફોર વ્હીલર ગાડીની અડફેટે મોટરસાઈકલ પર સવાર એકનું મોત : એક ઈજાગ્રસ્ત
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વિજાગઢ ગામે એક પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલને અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર બે પૈકી એકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૨૮મી માર્ચના રોજ ગરબાડાના ભરસડા ગામે કોટવાળ ફળિયામાં રહેતાં કમલેશભાઈ કોદરભાઈ હઠીલા તથા તેમની સાથે શંકરભાઈ ખીમાભાઈ મોહણીયા એમ બંન્ને વ્યક્તિઓ એક મોટરસાઈકલ પર સવાર થઈ ગરબાડાના વિજાગઢ ગામે ખેડા ફળિયા તરફથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની પીકઅપ ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કમલેશભાઈની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં કમલેશભાઈ તથા તેમની સાથે મોટરસાઈકલની પાછળ બેઠેલ શંકરભાઈ બંન્ને વ્યક્તિઓ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે બંન્ને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં જે પૈકી કમલેશભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત શંકરભાઈને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.
આ સંબંધે સુભાષભાઈ કમલેશભાઈ હઠીલાએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

