લીમખેડાના મંગલમહુડી ગામે વિદેશી દારૂ ભરી લઈ જતી ફોર વ્હીલર ગાડીને અકસ્માત નડ્યો : પોલીસે તપાસ હાથ ધરી
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગલમહુડી ગામે વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડીની માર્ગ અકસ્માત નડતાં બે વ્યક્તિઓને ઈજાઓ થવા પામી છે ત્યારે આ મામલે વિદેશી દારૂની હેરાફેરીના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
લીમખેડાના મંગલમહુડી ગામે આજરોજ વહેલી સવારે એક વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડી મંગલમહુડી ગામેથી હાઈવે રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે કોઈ અજાણ્યા ફોર વ્હીલર ગાડીની અડફેટે આ વિદેશી દારૂ ભરેલ ગાડીના ચાલકના કબજાની ફોર વ્હીલરનો અકસ્માત સર્જાતાં વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડીમાંથી દારૂનો જથ્થો રસ્તા પર રેલાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ માર્ગ અકસ્માતમાં ફોર વ્હીલર ગાડીના ચાલક સહિત બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે ત્યારે આ વિદેશી દારૂની ફોર વ્હીલર ગાડીને માર્ગ અકસ્માત સર્જાતા સ્થાનીક પોલીસ દ્વારા આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાવામાં આવતો હતો ? તે દિશાઓમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસો હાથ ધરી છે.

