મહુધા પાસે કાર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ

મહુધા તાલુકામાં એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઠાસરા તાલુકાના સૈયત ગામના મહેશભાઈ શનાભાઈ ચાવડાનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. મહેશભાઈ પોતાના મિત્રને લેવા સરદારપુરા ગામે જઈ રહ્યા હતા. અલીણા નજીક પહોંચતા જ એક અજાણી કારે તેમની બાઇકને ટક્કર મારતાં મહેશભાઈ બાઇક સાથે રોડની બાજુમાં આવેલી ગટરની કાંસના પાણીમાં પડ્યા હતા.
અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓના કારણે મહેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકના મોટાભાઈ જયેશભાઈ ચાવડાએ કાર ચાલક વિરુદ્ધ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
