દાહોદ શહેરમાં ચેટીચંદ ગુડી પડવા પર્વની સિંધી સમાજ દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવી






દાહોદ તા.૩૧
દાહોદ શહેર સહિત જિલ્લામાં ચેટીચંદ તેમજ ગુડી પડવાની સમાજ દ્વારા હર્ષાેઉલ્લાસ તેમજ ધાર્મિક રીતે ભવ્ય ઉજવણી કરી હતી. ચેટીચંદ નિમિત્તે દાહોદ શહેરના સિંધી સમાજ દ્વારા ભગવાન શ્રી ઝુલેલાલજીની પુજા અર્ચના કરી દાહોદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં સમાજના અગ્રણીઓ, મહિલા, પુરૂષ તેમજ બાળકો મોટી સંખ્યામાં જાેડાયાં હતાં. શોભાયાત્રાએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું.
દાહોદ શહેરના સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચેટ્ટીચંડ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે શહેરના ગોદીરોડ ઝૂલેલાલ સોસાયટી સ્થિત જુલેલાલ મંદિરમાં મહાભિષેક, આરતી, મહા આરતી, ભંડારો, શોભાયાત્રા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૯ માર્ચ શનિવારના રોજ રાતે નયા સાલ જલસાનો ભવ્ય કાર્યક્રમ આત્મારામ સોસાયટીમાં રાખવામાં આવ્યો હતો. અને ૩૦ મી માર્ચ રવિવારના રોજ ચેટ્ટીચંડ પર્વે શહેરના ગોદી રોડ સ્થિત ઝુલેલાલ મંદિર ખાતે ભગવાન ઝુલેલાલનો મહાભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આરતી અને તે પછી મહા આરતી યોજાઈ હતી. અને ત્યારબાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સાંજના સમયે ઝુલેલાલ મંદિરેથી ઝુલેલાલ ભગવાનની શોભાયાત્રા શરણાઈના સૂર અને દાંડિયા રાસની રમઝટ સાથે નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાવાનો, પુરૂષ, મહિલાઓ, બાળકો વયોવૃધ્ધ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. જે શોભાયાત્રા રેલ્વે સ્ટેશન થઈ સ્વામી વિવેકાનંદ ચોક, પાણીની ટાંકી થઈ સિંધી સોસાયટી ખાતે પહોંચી હતી જ્યાં શોભાયાત્રાનું સિંધી સોસાયટીમાં રહેતા સિંધી સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાતે જ્યોતનું શહેરના કૃત્રિમ તળાવના જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમજ રાતે સિંધી સોસાયટીમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.