અનુસૂચિત જાતિના લોકો માટેની વિવિધ યોજનાઓ થકી સરકારશ્રી દ્વારા અપાતી આર્થિક સહાય : દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન કુલ ૧૨, ૦૪૦ લાભાર્થીઓએ અનુસૂચિત જાતિની યોજનાઓના લાભ મેળવ્યા


દાહોદ તા.૦૪

રાજ્ય સરકાર અનુસૂચિત જાતિઓના સર્વાંગી વિકાસની સાથોસાથ સામાજિક સુરક્ષાની બાબતોમાં પણ કટીબદ્ધ બની છે. સમાજના અનુસૂચિત જાતિના લોકો કે, જેઓ પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પોતાના સામાજિક પ્રસંગો પણ સાચવવામાં જેઓને મુશ્કેલી પડતી હોય છે, તેમને સરકાર અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આર્થિક સહાય કરી મદદરૂપ નીવડી રહી છે.

વંચિતોના વિકાસને વરેલી પ્રગતિશીલ રાજ્ય સરકારે સમાજનાં છેવાડાનાં માણસની ચિંતા કરી સામાજિક અને સામુદાયિક જવાબદારી નિભાવીને સમાજના પછાત રહી ગયેલા વર્ગોના લોકોની મદદ કરવાની નેમ લીધી છે, જેના પરિણામે આજે તમામ વર્ગોના લોકો સાથે તેઓ પણ ગૌરવ પૂર્વક જીવન જીવી શકે છે. આવો, આપણે અનુસૂચિત જાતિ અંગેની સરકાર દ્વારા અપાતી કેટલીક યોજનાઓ અંગેની જાણકારી મેળવીએ.

ડૉ. આંબેડકર આવાસ યોજના
ડૉ. આંબેડકર આવાસ યોજના થકી ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિના લોકોને ઘર બાંધવા માટે રૂ.૧,૨૦, ૦૦૦ ની સહાય આપવામાં આવે છે. આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવામાં આવતી હોય છે. જેમાં પ્રથમ હપ્તામાં રૂ. ૪૦,૦૦૦ , બીજા હપ્તામાં રૂ. ૬૦,૦૦૦ તેમજ ત્રીજા હપ્તામાં રૂ. ૨૦,૦૦૦ આપવામાં આવે છે. આમ, મળીને કુલ રૂ. ૧,૨૦,૦૦૦ ની આર્થિક સહાય આપવામાં આવે છે. તે પૈકી પ્રથમ હપ્તો વહીવટી મંજૂરીના હુકમ સાથે, ત્યાર પછી બીજો હપ્તો લિન્ટલ લેવલ પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો શૌચાલય સહિતનું કામ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવે છે.

આ યોજનાનો મૂળ હેતુ અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા કે જેઓને રહેવાની મુશ્કેલી હોય તેવા લોકો, ગરીબી રેખા નીચે જીવતા, ઘર વિહોણા લોકોને જેમાં સફાઈ કર્મીઓ તેમજ જેમને કાચું મકાન હોય તેમને આ યોજનાનો લાભ મળતો હોય છે.

આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.અરજદારની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની હોવી જોઈએ. અરજદારે પોતાના પ્રમાણપત્રો મુજબ અરજીમાં નામ અને વ્યક્તિગત માહિતી લખવાની રહેશે. જો લાભાર્થીએ અગાઉ આ પ્રકારની યોજનાનો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે. આવાસ સહાયનો બીજો હપ્તો મળ્યા બાદ લાભાર્થીએ આવાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે. આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ લઈ શકે છે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા લોકોની વાર્ષિક આવક ૬ લાખથી વધુ હોવી ન જોઇએ.

કુંવરબાઈનું મામેરું યોજના
ગુજરાત રાજયના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે આર્થિક રીતે મદદરૂપ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ સરકારશ્રી તરફથી આપવામાં આવે છે. આ યોજનાનો મૂળ હેતુ દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે એ માટેનો છે.

આ યોજના હેઠળ કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે અગાઉ રૂ. ૧૦, ૦૦૦ ની સહાય ચૂકવવામાં આવતી હતી. જે સહાયની રકમમાં સુધારો કરીને જે કન્યાઓએ તારીખ ૦૧-૦૪-૨૦૨૧ પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને આ યોજના હેઠળ રૂ. ૧૨, ૦૦૦ નો લાભ મળવા પાત્ર હોય છે. તેમજ જે કન્યાઓએ તારીખ ૦૧-૦૪-૨૦૨૧ પહેલાં લગ્ન કરેલ હશે તેવા દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે રૂ. ૧૦,૦૦૦ નો લાભ મળવાપાત્ર રહેશે.

અંત્યેષ્ઠી સહાય(સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોતર સહાય યોજના(અંત્યેષ્ઠી સહાય)
આ યોજના દ્વારા અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યના મૃત્યું પ્રસંગે મરણોત્તર ક્રિયા માટે રૂ. ૫૦૦૦/- ની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ. અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.

મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે. મરણ પામનાર વ્યક્તિન કુંટુંબ કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે. આ યોજના હેઠળ લાભાર્થીને રૂ. ૫, ૦૦૦ ની આર્થિક સહાય આપવામાં આવે છે.

ડૉ. સવિતાબેન આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના
હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દુર કરી સામાજિક સમરસતા લાવવાના ભાગરૂપે ડૉ.સવિતાબેન આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકેલ છે.

આ યોજના અંતર્ગત રૂ.૧,૦૦,૦૦૦/- ની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.૧,૫૦,૦૦૦/- રકમ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂ. ૨,૫૦,૦૦૦/-ની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે. આંતર જ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત ગુજરાતના મુળ વતની હોવા જોઇએ. આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!