દાહોદ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરેલી અરજીનો તાત્કાલિક કરાયો નિકાલ : દાહોદ કલેક્ટરશ્રીની સૂચનાથી ઝાલોદ ડેપો મેનેજર દ્વારા દાહોદથી ખોરવા જતી બસોને સુથારવાસા મોજાઈ ગામ સુધી લંબાવાઇ



દાહોદ તા.૮
અરજદારશ્રી સહિત ગામના લોકો અને વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેનો હૃદયપૂર્વક આભાર માન્યો
કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને યોજાયેલ દાહોદ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામના અરજદાર બચુભાઈ ગણાવા દ્વારા દાહોદથી ખોરવા જતી બસોને સુથારવાસા મોજાઈ ગામ સુધી લંબાવવા અરજી કરવામાં આવી હતી.
નાગરિકોને પડતી મુશ્કેલીઓનો તાત્કાલિક પણે ઉકેલ લાવવા માટે કલેક્ટરશ્રીએ અરજદારની અરજી ધ્યાને લઇ તાત્કાલિક સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઝાલોદ ડેપો મેનેજરને તાત્કાલિ ક ધોરણે બસ ચાલું કરવાની સૂચના આપી જણાવ્યું હતું કે, નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડવી જોઈએ નહીં, જેથી બને એટલા ઝડપથી બસો ને નાગરિકોની માંગણી મુજબ ચાલુ કરવા જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીએ આપેલ સુચના મુજબ ઝાલોદ ડેપો મેનેજર દ્વારા દાહોદથી ખોરવા જતી બસોને સુથારવાસા મોજાઈ ગામ સુધી લંબાવવામાં આવી છે. પહેલી બસ મોજાઈ પહોચતા ગામના આગેવાનો સાથે વિદ્યાર્થીઓ પણ આવી પહોચ્યા હતા.
આઠ હજારની વસ્તી ધરાવતા ગામને બસનો લાભ મળ્યો છે. અરજદારશ્રી બચુભાઈ ગણાવા તથા ગામ લોકો દ્વારા એસ.ટી. બસને વધાવી ફુલહાર કરી મોજાઈ ગામથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગને ગામલોકોએ હર્ષભેર વધાવી લીધો હતો. તેમજ અરજદારશ્રી સહિત ગામના લોકો અને વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.