દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન 2.0 અંતર્ગત બેઠક યોજાઈ
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન 2.0 અંતર્ગત દાહોદ જિલ્લામાં તળાવો ઊંડા કરવા, હયાત ચેક ડેમોનું ડિસિલ્ટિંગ કરવું, હયાત જળાશયો નદીનું ડિસિલ્ટિંગ, હયાત નુકસાન પામેલા ચેક ડેમોનું રીપેરીંગ કરવું, નહેરો તથા કાંસની મરામત કરવી, સાફ-સફાઈ કરવી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ખેત તલાવડી, વન તળાવ, પીવાના પાણીના સ્ત્રોત સમ સ્ટ્રકચર તથા તેની આસપાસની સફાઈ, તળાવના વેસ્ટ બીયરના રીપેરીંગ, નદીઓના પ્રવાહને અવરોધરૂપ ઝાડી ઝાંખરા દૂર કરવા માટે કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
દાહોદ જિલ્લામાં તાલુકા દીઠ પાંચ તળાવને લોક ભાગીદારી થકી માસ્ટર પ્લાન રેડી કરી તળાવ ઊંડું કરવા માટે તળાવોની યાદી અને તેની ઊંડાઈ અંગે કલેક્ટરશ્રીએ માહિતી મેળવી વધુ પાણીનો સંગ્રહ થઈ શકે તેવા તળાવની પસંદગી કરી તળાવો ઊંડા કરવા માટે 15 દિવસમાં કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું. તેમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર , ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી પ્રાયોજનના વહીવટદારશ્રીએ બેઠક બાબતે ચર્ચા કરી હતી
એ સાથે કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે, ખાનગી એજન્સીઓ કે કોન્ટ્રાક્ટર દ્વારા તળાવમાંથી માટી લઈ જઈ શકતા હોય પરંતું તેનો ઉપયોગ સરકારી કોમમાં થતો હોય તો માટી લઇ જવા – તળાવને ઊંડું કરવા માટે પરવાનગી આપવી જોઈએ અથવા તો ખેડૂતોને પોતાના ખેતરમાં નાખવા લઈ જઈ શકે તે હેતુથી તળાવમાંથી માટી કાઢવા માટે પરવાનગી આપવી જોઈએ.
કલેકટરશ્રીએ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મંજુર થયેલા કામ નામ, તેના સર્વે નંબર, ગામ-તાલુકા સહિતની માહિતી પ્રાંત અધિકારીશ્રીને આપવા કહ્યું હતું. સાથે જ કયા વિભાગ પાસે કેટલી કામગીરી ચાલુ છે, કેટલા કામો મંજૂર છે તે અંગે પણ માહિતી મેળવી કામગીરીની સમીક્ષા કરી હતી. વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જે સરકારી પડતર જમીન છે તે જમીન પર પાણીના સંગ્રહ હેતુ નવા તળાવ બનાવી શકાય એવી જગ્યા હોય તો તળાવ બનાવવા જોઈએ.
દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા દાહોદ જિલ્લાના તમામ મામલતદાર અધિકારીઓને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવામાં પડતી મુશ્કેલીને બાબતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લઈને રેશનકાર્ડમાં નામ દાખલ કરવાની કામગીરી શરૂ કરવી જોઈએ શાળાના નવા સત્ર શરૂ થતાના 15 દિવસમાં જ તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી જાય એ પ્રકારની કામગીરી તમામ મામલતદાર અધિકારીઓએ કરવાની રહેશે.